ધ્રોલના મોટા ઈટાળા ગામે કૃષિમંત્રીના માઇનોર બ્રિજ, પાણીની પાઈપલાઈન, ઊંચી ટાંકીનું કરાયું ખાતમુહૂર્ત
રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાધવજી પટેલના હસ્તે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા ઇટાળા ગામમાં રૂ.૧.૭૭ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર માઇનોર બ્રિજ, પાણીની પાઈપલાઈન, પમ્પિંગ મશીનરી અને મોટી ઊંચી ટાંકીનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. મોટા ઇટાળા ગામ ખાતે રાજપર-સુમરા રોડ પર રૂ.૧.૨૫ કરોડના ખર્ચે માઇનોર બ્રિજ અને વાસ્મો દ્વારા રૂ.૫૨ લાખના ખર્ચે ‘નળ સે જળ’ યોજનાનું વિકાસકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનનું સ્વપ્ન છે કે ‘નળ સે જળ’ યોજના હેઠળ દરેક વ્યક્તિ સુધી પીવાનું સ્વચ્છ પાણી પહોંચે. વાસ્મોના સતત પ્રયાસો થકી આજે આ ભગીરથ યોજના માત્ર મોટા ઈટાળા ગામમાં જ નહીં, પરંતુ જિલ્લાના તમામ ગામોમાં પરિપૂર્ણ થવા જઈ રહી છે.
રાજપર-સુમરા માઈનોર બ્રિજ બનવાથી આજુબાજુના ગામોના લોકોને હવેથી ચોમાસાની ઋતુમાં અવર-જવર કરવામાં મુશ્કેલી પડશે નહીં. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ નવલભાઈ મુંગરા, તાલુકા પંચાયત સદસ્ય મનસુખલાલ ભંડેરી, વાસ્મો યુનિટ મેનેજર ભાવિકાબા બી. જાડેજા, વાસ્મો આસિસ્ટન્ટ મેનેજર અમીબેન ગોંડલીયા, વાસ્મો ડીસ્ટ્રીકટ કો-ઓર્ડીનેટર દુષ્યંતસિંહ જાડેજા, આજુબાજુના ગામોમાંથી પધારેલા સરપંચો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments