ભાજપનું શાસન મધ્ય ગુજરાતની ૨૫ સીટ પર,૧૬ જીતવા અમિત શાહનું ચિંતન
વિધાનસભાની ચૂંટણી પૂર્વે વડોદરાની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રીએ મધ્ય ગુજરાતના ૮ જિલ્લાના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી, જેમાં તેઓએ મધ્ય ગુજરાતના ૯૭ હોદ્દેદારો સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરી હતી. બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા. હતા. ગૃહમંત્રી અમિત શાહનો કોનવે સવારે એરપોર્ટથી સીધો હોટલ પર પહોંચ્યો હતો. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ પણ પહોંચ્યા હતા. અમિત શાહે મધ્ય ગુજરાતના ૨૫ ધારાસભ્યો, ૮ સાંસદ, ૪૦ બેઠકના પ્રભારી, ૮ જિલ્લાના અધ્યક્ષ, ૫ શહેરના મુખ્ય પ્રભારી, મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ માજી મેયર, તત્કાલીન જિલ્લા અધ્યક્ષ મળી ૯૭ હોદ્દેદારો સાથે બેઠક યોજી ચૂંટણીમાં શું કરવું અને શું ન કરવું તે અંગે ચર્ચા કરી હતી. જેમાં મધ્ય ગુજરાતમાં ૮ જિલ્લાની ૪૧ બેઠક પૈકી ૨૫ પર ભાજપનું શાસન છે, બાકીની ૧૬ બેઠકો પર કેવી રીતે જીત મેળવી શકાય તે માટે ચિંતન કરાયું હતું. ગૃહ મંત્રી અમિત શાહ સાથે જિલ્લાના ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોએ ચર્ચા-વિચારણા કરી હતી. બેઠક બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારને પૂછતાં તેઓએ કહ્યું હતું કે, ગૃહ મંત્રીને મળીને ખૂબ આનંદ થયો છે, દિવાળીની શુભેચ્છા મુલાકાત હતી, ટિકિટ બાબતે કોઈ વાતચીત થઈ નથી. જ્યારે કરજણના પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ-નિશાળિયાએ જણાવ્યું હતું કે, સંગઠનની વાતચીત થઈ છે, અમને કોઈ સૂચના અપાઇ નથી. આ બેઠકથી અમે ખુશ છીએ. તો પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલે વાતચીત કરવાનું ટાળ્યું હતું.
Recent Comments