ગુજરાત

ગાંધીનગરનાં સેકટર૪માં ગાડીનું ટાયર ફરી વળતા બાળકનું કમકમાટી ભર્યું મોત

ગાંધીનગરના સેકટર – ૪ ખાતે સાંજના સમયે એક સ્પોર્ટ્‌સ કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારીને ઘર આગળ રમતાં આશરે અઢી વર્ષના બાળકને ટાયર નીચે કચડી નાંખી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ જતાં પોલીસે હાલમાં સ્થળ પર પહોંચી તપાસનો દોર શરૂ કર્યો છે. ગાંધીનગરના સેકટર – ૪ માં સાંજના સમયે કાળમુખી સ્પોર્ટ્‌સ કારનો ચાલક પોતાની કાર બેફામ ગતિએ હંકારીને માસુમ બાળકનો જીવ લઈ નાસી જતાં પરિવાર ઉપર આભ તૂટી પડયું છે. સેકટર ૪/એ પ્લોટ નંબર ૧૪૬/૨ માં રહેતાં આર્મી જવાન ઈલેશભાઈ રાઠોડ દિવાળીના તહેવારો દરમ્યાન જાેધપુર ખાતે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે તેમના પત્ની દક્ષાબેન, મોટો પુત્ર ધાર્મિક તેમજ નાનો દીકરો અથર્વ (અઢી વર્ષ) સેકટર – ૪ ખાતે રહે છે. દિવાળીના તહેવારો નિમિત્તે અન્ય પરિવારનાં સભ્યો ગામડે જતાં દક્ષાબેન બંને દીકરા સાથે ઘરે હાજર હતા. એ દરમ્યાન સાંજના સમયે આશરે અઢી વર્ષનો અથર્વ ઘર આગળ રમી રહ્યો હતો. ત્યારે એક સ્પોર્ટ્‌સ કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારીને અથર્વને ટાયર નીચે કચડી નાખી ફરાર થઈ ગયો હતો. આ બનાવના પગલે દક્ષાબેન સહિતના આસપાસના પાડોશીઓ દોડી આવ્યા હતા. અને અથર્વને ખાનગી હોસ્પિટલમાં લઈને દોડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે અથર્વને મૃત જાહેર કર્યો હતો. આ અકસ્માતનાં પગલે દક્ષાબેન સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યારે બનાવની જાણ થતાં આર્મી જવાન ઈલેશભાઈ તેમજ ગામડે ગયેલા પરિવારજનો ગાંધીનગર આવવા માટે રવાના થઈ ગયા છે. હાલમાં પોલીસ સ્થળ પર પહોંચીને તપાસ કરી રહી છે.

Related Posts