વિદેશમાં PM મોદીનું કેમ થાય છે સન્માન? CM અશોક ગેહલોતે જણાવ્યું આ કારણ..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દસ વર્ષ બાદ લગભગ ૧૫૦૦ આદિવાસીઓના શહીદી સ્થળ માનગઢ ધામ પહોંચ્યા. અહીં તેમણે માનગઢ ધામ કી ગૌરવ ગાથા કાર્યક્રમને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે ૧૮૫૭ના સ્વતંત્રતા સંગ્રામ અગાઉ આદિવાસી સમાજે આઝાદીનું બ્યુગલ ફૂંક્યું હતું. આપણે આદિવાસી સમાજના યોગદાનના કરજદાર છીએ. ભારતના ચરિત્રને સહજનારો આદિવાસી સમાજ જ છે. જાે કે તેમણે તેને રાષ્ટ્રીય સ્મારક બનવાની જાહેરાત કરી નહીં. આ અગાઉ પીએમ મોદીએ શહીદ સ્મારકની મુલાકાત લઈને શ્રદ્ધાંજલિ આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવમાં આપણા બધાનું માનગઢ ધામ આવવું, એ આપણા બધા માટે પ્રેરક અને સુખદ છે. માનગઢ ધામ જનજાતીય વીર વીરાંગનાઓના તપ, ત્યાગ, તપસ્યા અને દેશભક્તિનું પ્રતિબિંબ છે. તે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રનો સંયુક્ત વારસો છે. ગોવિંદ ગુરુ જેવા મહાન સ્વતંત્રતા સેનાની ભારતની પરંપરાઓ અને આદર્શોના પ્રતિનિધિ હતા. તેઓ કોઈ રજવાડાના રાજા નહતા પરંતુ તેઓ લાખો આદિવાસીઓના નાયક હતા.
પોતાના જીવનમાં તેમણે પોતાના પરિવારને ગુમાવ્યો પરંતુ જુસ્સો ક્યારેય ગુમાવ્યો નહતો. પીએમ મોદીએ કહ્યું કે ભારતનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય આદિવાસી સમાજ વગર પૂરા થશે નહીં. આપણી આઝાદીની લડતનો પગ-પગ, ઈતિહાસનું એક એક પન્નું આદિવાસી વીરતાથી ભરેલા પડ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે દેશમાં આદિવાસી સમાજનો વિસ્તાર અને ભૂમિકા એટલી મોટી છે કે આપણે તેમના માટે સમર્પિત ભાવથી કામ કરવાની જરૂર છે. રાજસ્થાન અને ગુજરાતથી લઈને પૂર્વોત્તર અને ઓડિશા સુધી વિવિધતાથી ભરેલા આદિવાસી સમાજની સેવા કરવા માટે આજે દેશ સ્પષ્ટ નીતિ સાથે કામ કરી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં વન ક્ષેત્ર પણ વધી રહ્યા છે, વન સંપત્તિ પણ સુરક્ષિત કરવામાં આવી રહી છે. આ સાથે જ આદિવાસી ક્ષેત્ર ડિજિટલ ઈન્ડિયા સાથે પણ જાેડાઈ રહ્યા છે. પરંપરાગત કૌશલની સાથે સાથે આદિવાસી યુવાઓને આધુનિક શિક્ષણની પણ તકો મળે.
આ માટે એકલવ્ય આદિવાસી વિદ્યાલય પણ ખોલવામાં આવી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે દુનિયાના અન્ય દેશોમાં જાય છે ત્યારે તેમનું ખુબ માન સન્માન હોય છે. આ માન સન્માન એટલા માટે હોય છે કારણ કે આ ગાંધીનો દેશ છે. આ દેશમાં ૭૦ વર્ષથી લોકતંત્ર જીવિત છે. છેલ્લા ૭૦ વર્ષમાં આપણો દેશ ક્યાંથી ક્યાં પહોંચી ગયો. પહેલા આપણે ગુલામીની ઝંઝીરોથી જકડાયેલા હતા. તેની કહાનીઓ આપણે આજે ભણી રહ્યા છીએ. આપણા દેશમાં લોકતંત્રના મૂળિયા મજબૂત છે, ઊંડા છે. દુનિયાને જ્યારે અહેસાસ થાય છે કે એ દેશના પ્રધાનમંત્રી આવી રહ્યા છે ત્યારે તમે વિચારી શકો છો કે તેઓ કેવું સન્માન આપે છે. માનગઢમાં સભા સંબોધતા અશોક ગેહલોતે પંડિત જવાહરલાલ નહેરુને પણ યાદ કર્યા. તેમણે કહ્યું કે આઝાદીની જંગમાં આદિવાસીઓનું મોટું યોગદાન રહ્યું. અનેક આદિવાસી નેતાઓએ બલિદાન આપ્યા. અહીં ફ્રીડમ ફાઈટર પણ ઘણા થયા.
ભીખાલાલ ભાઈ, માણિક્યલાલ વર્મા, ભોગીલાલ પંડ્યા અને ઉપાધ્યાયજી સહિત અનેક લોકો હતા જેમણે સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લીધો. ગોવિંદગુરુ પણ અનેક વર્ષ જેલમાં રહ્યા. પંડિત નેહરુનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આઝાદીની લડાઈ લડાઈ. અનેક લોકો જેલમાં બંધ રહ્યા. પંડિત જવાહરલાલ નેહરુ ૧૦ વર્ષ સુધી જેલમાં બંધ રહ્યા. સરદાર પટેલ અને મૌલાના આઝાદ પણ જેલોમાં રહ્યા. મુખ્યમંત્રી અશોક ગેહલોતે પ્રધાનમંત્રી પાસે બાંસવાડાને રેલમાર્ગ સાથે જાેડવાની માંગણી પણ કરી. તેમણે કહ્યું કે જાે બાંસવાડાને રેલ માર્ગ સાથે જાેડવામાં આવે તો તેનાથી આ વિસ્તારના વિકાસ માટે ખુબ મહત્વપૂર્ણ રહેશે. આ સાથે ગેહલોતે એમ પણ કહ્યું કે રાજસ્થાન સરકારની ચિરંજીવી યોજનાઓનો જાે સ્ટડી કરીએ તો આ યોજના સમગ્ર દેશમાં લાગૂ થઈ શકે છે.
Recent Comments