ગાંધીનગરના રિક્ષા ચાલક ખરીદી કરવા ગયો, મુસાફરના સ્વાંગમાં બેઠેલા ત્રણ તસ્કરો રિક્ષા ચોરીને નાસી ગયા
ગાંધીનગરના અડાલજ જૈન દેરાસર પાસેની દુકાનમાં રિક્ષા ચાલક ખરીદી કરવા ગયો અને રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા ત્રણ ચોર તેની રિક્ષા ઉઠાવી નાસી ગયા હતા. જેથી ચોરીની ફરિયાદ અડાલજ પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવી છે. અમદાબાદ આઈઓસી રોડ પર રહેતા પપ્પુ ગોપાલજી વણઝારા રિક્ષા ચલાવી પરીવારનું ગુજરાન ચલાવે છે. જેણે આજથી એકાદ મહિના અગાઉ લોન ઉપર રૂ. ૨.૧૫ લાખની કિંમતની સીએનજી રિક્ષા ખરીદી હતી. તા. ૨૯મી ઓક્ટોબરના રોજ સવારના સમયે પપ્પુ પેસેન્જર લઈને ચાંદખેડાથી અડાલજ ગયો હતો. જ્યાં પેસેન્જરને ઉતારીને તે અડાલજ શ્રીનાથ સોસાયટી બાજુ રિક્ષા લઈ પેસેન્જરની રાહ જાેઈને ઉભો હતો. કોઈ પેસેન્જર નહીં મળતા પપ્પુ અડાલજ આંબલીવાળા વાસમાં થઈ અડાલજ વાવ તરફ રિક્ષા લઈને નિકળ્યો હતો.
ત્યારે રસ્તામાં ત્રણ જણાએ રિક્ષા ઉભી રખાવી ચાંદખેડા જવાનું કહ્યું હતું. જેથી પપ્પુ ત્રણેય મુસાફરોને રિક્ષામાં બેસાડી ચાંદખેડા જવા નીકળ્યો હતો. ત્યારે પપ્પુને વિમલ ખાવાની તલબ ઉપડી હતી.આ દરમિયાન પપ્પુએ જૈન દેરાસર પાસે ગલ્લેથી વિમલ લેવા માટે રિક્ષા ઉભી રાખી હતી અને રિક્ષા બંધ કરી વિમલ લેવા ગયો હતો. એ વખતે તે ચાવી રિક્ષામાં જ ભૂલી ગયો હતો. તે ગલ્લે વિમલ લેતો હતો. આ દરમિયાન મુસાફરના સ્વાંગમાં બેઠેલા ત્રણેય ચોર રિક્ષા ચાલુ કરી ત્યાંથી ભાગી ગયા હતા. આ બનાવના પગલે પપ્પુએ આસપાસના વિસ્તારોમાં રિક્ષાની શોધખોળ આદરી હતી. પરંતુ આજદિન સુધી રિક્ષાનો ક્યાંય પત્તો નહીં લાગતા આખરે અડાલજ પોલીસ મથકમાં રૂ. ૨.૧૫ લાખની રિક્ષા ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે.
Recent Comments