fbpx
રાષ્ટ્રીય

તેલંગણામાં માતા-પિતાએ જ પુત્રની ૮ લાખની સોપારી આપી કરાવી હત્યા

તેલંગણામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. માતા પિતાએ પોતે જ પોતાના ૨૬ વર્ષના પુત્રની હત્યા કરાવી નાખી. સાંભળવામાં આ તમને ચોક્કસપણે વિચિત્ર લાગે પરંતુ સાચુ છે. પુત્રથી માતા પિતા એટલા કંટાળી ગયા હતા કે તેમણે અંતિમ પગલું ભરી નાખ્યું. હૈદરાબાદ પોલીસે આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યાં મુજબ તેમનો એકમાત્ર પુત્ર અવારનવાર ઝઘડા કરતો હતો. દારૂ માટે પૈસા ન આપે તો મારપીટ કરતો હતો. તેનાથી પરેશાન થઈને દંપત્તિએ તેમના પુત્રની હત્યા માટે સોપારી આપી દીધી. ચોંકાવનારી વાત એ છે કે આરોપી પિતા એક શાળામાં પ્રિન્સિપાલ છે. પોલીસના જણાવ્યાં મુજબ સરકારી શાળામાં પ્રિન્સિપાલ રામ સિંહ અને તેમના પત્નીએ કથિત રીતે પોતાના એકમાત્ર ૨૬ વર્ષના પુત્ર સાઈ રામને મારવા માટે ૮ લાખ રૂપિયા આપ્યા હતા. પોલીસે જણાવ્યું કે દંપત્તિએ રાની બાઈના ભાઈ સત્યનારાયણ પાસે પુત્રને મારવામાં મદદ માંગી.

બીજી બાજુ સત્યનારાયણે આર રવિ, ડી ધર્મા, પી નાગરાજૂ, ડી સાઈ અને બી રામબાબુ સાથે મળીને હત્યાને અંજામ આપ્યો. રામ સાઈનો મૃતદેહ પોલીસને ૧૯ ઓક્ટોબરે મળી આવ્યો હતો. રામ સિંહ મારિપેડા બાંગ્લા ગામમાં એક સરકારી ગુરુકુળના પ્રિન્સિપાલ છે. તેમની પુત્રી અમેરિકામાં સેટ થઈ છે. પોલીસે કહ્યું કે સાઈ રામ દારૂ માટે પૈસા આપવાનો ઈન્કાર કરવામાં આવે તો માતા પિતા સાથે ગાળાગાળી અને મારપીટ કરતો હતો. પરિવારના સભ્યોએ કહ્યું કે તેમણે પુત્રને હૈદરાબાદના એક રિહેબ સેન્ટરમાં પણ મોકલ્યો હતો પરંતુ તેનાથી કોઈ ફાયદો થયો નહીં. હુજૂરાબાદ સર્કલ ઈન્સ્પેક્ટર રામ લિંગ રેડ્ડીના જણાવ્યાં મુજબ દંપત્તિએ રાનીબાઈના ભાઈ સત્યનારાયણ પાસે પુત્રને મારવા માટે મદદ માંગી.

પોલીસ જ્યારે મામલાની તપાસ કરી રહી હતી ત્યારે હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કારની સીસીટીવી દ્વારા ભાળ મળી. તે લોકોએ કાર ગૂમ થવા અંગે ફરિયાદ ન નોંધવતા પોલીસનો શક મજબૂત થયો. ત્યારબાદ ખબર પડી કે માતા પિતા જ્યારે ૨૫ ઓક્ટોબરના રોજ પુત્રના મૃતદેહની ઓળખ કરવા માટે પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યા તો તે જ કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું કે સત્યનારાયણે ઘટનાને અંજામ આપવા માટે આર રવિ, ડી ધર્મા, પી નાગરાજૂ, ડી સાઈ અને બી રામબાબુને સામેલ કર્યા. દંપત્તિએ સોપારી તરીકે ૧.૫ લાખ રૂપિયાનું પેમેન્ટ પણ કરી નાખ્યું હતું. બાકીના પૈસા હત્યા થઈ ગયા બાદ આપવાના હતા. ૧૮ ઓક્ટોબરના રોજ સત્યનારાયણ અને રવિ, સાઈ રામને ફેમિલી કારમાં લઈને કલ્લેપલ્લીના એક મંદિરમાં લઈ ગયા અને અન્ય આરોપીઓને પણ મળ્યા. તમામ લોકોએ દારૂ પીધેલો હતો. નશાની હાલતમાં જ તેની હત્યા કરી નાખવામાં આવી.

Follow Me:

Related Posts