એસપી રિંગરોડ પર ટ્રકચાલકે ટુ-વ્હિલરને અડફેટે લેતા પત્નીનું મોત, પતિને ઇજા
વટવામાં રહેતું દંપતી ટુ-વ્હિલર પર રાત્રે એસપી રિંગરોડ વસ્ત્રાલ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યું હતું. દરમિયાન બેકાબૂ ટ્રકચાલકે તેમના ટુ-વ્હિલરને ટક્કર મારી હતી, જેથી દંપતી નીચે પટકાતા ટ્રકનું ટાયર પત્ની પરથી પસાર થઈ ગયું હતું. આ કારણે પત્નીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે પતિને સામાન્ય ઈજાઓ થઈ હતી. આ મામલે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વટવામાં આવેલા ચિરાગ ફલેટમાં રહેતા શાહીદખાન ડ્રાઈવિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાત્રે શાહીદખાન પત્ની જાહીદા સાથે વસ્ત્રાલમાં કામ પૂર્ણ કરીને ટુ-વ્હિલર પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન એસપી રિંગરોડ વસ્ત્રાલ ચાર રસ્તા પાસે પહોંચ્યા હતા ત્યારે પૂરઝડપે આવતા ટ્રકચાલકે શાહીદખાનના ટુ-વ્હિલરને ટક્કર મારી હતી, જેના કારણે શાહીદખાન અને તેમના પત્ની જાહીદાબાનુ નીચે પટકાયા હતા.
દરમિયાન ટ્રકનું ટાયર જાહીદાબાનુના માથા પરથી પસાર થયું હતું. આથી ઘટના સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે શાહીદખાનને સામાન્ય ઇજા થઈ હતી. આ ઘટના બાદ ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો.જ્યારે સ્થાનિકોએ પોલીસ અને ૧૦૮ને આ ઘટના અંગે જાણ કરી હતી. શાહીદખાન અને તેમના પત્નીને હોસ્પિટલ લઈ જવાયા હતા. ઈજાગ્રસ્ત શાહીદખાને અજાણ્યા ટ્રકચાલકના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે શાહીદખાનની ફરિયાદ લઈ ફરાર ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Recent Comments