ગુજરાત

ફોન ઝૂંટવી ભાગવા જતાં લોકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો,૧.૬ લાખનો મુદ્દામાલ કબ્જે

અંકલેશ્વરના ઓએનજીસી ઓફીસ નજીક બાઈક લઈને આવેલા ગઠિયો રાહદારીનો ફોન ઝૂંટવી ભાગવા જતાં માર્ગ પર પટકાતા લોકોએ ઝડપી પાડીને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને હવાલે કરી દીધો હતો. જે અંગે પોલીસે તેની પાસેથી એક બાઈક અને કુલ ૧૩ નંગ મોબાઈલ કબ્જે લઈને કુલ રૂ.૧.૦૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને અન્ય આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વરના તીર્થનગરમાં રહેતા અને મૂળ ઝારખંડના રાજેન્દ્ર સાહેબરા અને બાલમુકુંદ પંડિત અંકલેશ્વરની શાકમાર્કેટમાંથી મહાવીર ટર્નિંગ જતા રોડ ઉપર ચાલતા-ચાલતા જઈ રહ્યા હતા. તે દરમિયાન ઓએનજીસી ઓફીસ પાસે પાછળથી બાઈક નંબર-જીજે-૧૬-ડીઈ- ૨૯૭૦ ઉપર આવેલા ગઠિયાએ રાજેન્દ્ર સાહેબરાના હાથમાં રહેલા ફોન ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો.

જાેકે રાજેન્દ્રભાઈએ તેમના હાથમાંનો મોબાઈલ ફોન નહીં છોડતા બાઈક પર સવાર ગઠિયો નીચે માર્ગ ઉપર પટક્યો હતો. ત્યારબાદ સ્થાનિકોએ તેને પકડી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને તપાસ અર્થે સોંપી દીધો હતો. આ બનાવ બાદ એકશનમાં આવેલી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના પીએસઆઈ એ.એચ.ચૌહાણે કડક પૂછતાછ કરતા તેની પાસેથી લોકો પાસેથી સ્નેચિંગ કરેલા કુલ ૧૩ મોબાઈલ ફોન કિંમત રૂ.૭૬,૫૦૦ અને એક બાઈક કી રૂ.૩૦ હજાર મળીને કુલ રૂ.૧,૦૬,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જ્યારે તેની સાથેના અન્ય આરોપી સતીશ રાજુભાઇ વસાવાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. આ આરોપીઓ રસ્તામાં ચાલતા રાહદારીઓ અથવા વાહનમાં જતા હોય અને જે ફોન ઉપર વાત કરતા હોય તેવા લોકોને ટ્રાગેટ કરી બાઈક ઉપર આવી મોબાઇલ ઝુંટવી લઇ ભાગી જવાની ટેવવાળા છે. આ સ્નેચીંગ કરેલા મોબાઇલો પોતાના ગામ ખાતે પોતાને પૈસાની જરૂર છે તેમ કહી ગામલોકોને નજીવી કીમતમાં વેચી દેતા હોય છે.

Related Posts