fbpx
ગુજરાત

કડીમાં ચૂંટણી ફરજ દરમિયાન એસએસબી જવાનનું હાર્ટ એટેકથી નિધન

મહેસાણા જિલ્લામાં વિધાનસભા ચૂંટણીને પગલે એસએસબી જવાનોની ૫ જેટલી કંપનીઓ અલગ-અલગ વિધાનસભા વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. ત્યારે ચૂંટણીના માહોલ વચ્ચે એક દુઃખદ ઘટના બની છે. જેમાં કડી સેન્ટર પર ફરજ દરમિયાન એસએસબી જવાનનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. જે જવાનને મહેસાણાના હેડક્વાર્ટરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના એસએસબી જવાન હેમારામ ગોમાંરામ પોતાની કંપની સાથે ચૂંટણીને લઈ મહેસાણા જિલ્લામાં ફરજ પર આવ્યાં હતા. આ દરમિયાન તેઓને કડી સેન્ટર પર તૈનાત કરવામાં આવ્યાં હતા. જ્યાં ૫ તારીખના રોજ તેઓનું બીપી લો થઈ જતા કડી સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા.

બાદમાં ત્યાંથી ગાંધીનગર અને જે બાદ અમદાવાદની સિવિલમાં લઇ જવાયા હતા. જ્યાં આજે ૧૧ કલાકે તેઓનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. જવાનના પાર્થીવદેહને મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યા મહેસાણા પોલીસ સ્ટાફ, જિલ્લા પોલીસ વડા સહિતના સ્ટાફે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં એસએસબીના સિનિયર ડી.આઈ.જી અધિકાર અને એસએસબી જવાનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ જવાનના પાર્થિવ દેહને મહેસાણા પોલીસની એમ્બ્યુલન્સ વાનમાં તેઓના વતન પાર્થિવ દેહ મોકલી આપવામાં આવ્યો છે. જ્યાં કાલે તેઓના વતનમાં ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ ક્રિયા કરવામાં આવશે.

Follow Me:

Related Posts