સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હોદ્દાનો દુરૂપયોગ કરી આયુષ્યમાન કાર્ડ મેળવનાર અધિકારી સામે તપાસના આદેશ

રાજકોટ સિવિલ હોસ્પિટલના નર્સિંગ વડા હિતેન્દ્ર જાખરીયાએ ગરીબ અને સામાન્ય વર્ગના લોકો માટે સરકારે શરૂ કરેલ મફત સારવાર યોજના એટલે કે આયુષ્યમાન કાર્ડની યોજનાનો લાભ લઇ આખા પરિવારનું આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું હતું. જે મામલે વિવાદ થયા પછી તપાસ સમિતિ રચાઇ હતી. આ અંગે હવે ગાંધીનગરથી તપાસના આદેશ છૂટ્યા છે. આરોગ્ય કમિશનરે રાજકોટ મનપાના મુખ્ય આરોગ્ય અધિકારીને આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરી રિપોર્ટ ગાંધીનગર મોકલવા આદેશ કર્યો છે. સિવિલ હોસ્પિટલના વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે કે સરકાર દ્વારા આ મામલે ફોજદારી રાહે પગલા લેવા તૈયાર થઇ રહી છે કે પછી ફક્ત તપાસના નામે રિપોર્ટ જ કરાતા રહેશે? હિતેન્દ્ર જાખરીયા ગુજરાત સરકારના વર્ગ-૨ના અધિકારી છે. વર્ષે લાખો રૂપિયા પગાર મેળવે છે.

તેમણે આયુષ્યમાન કઢાવ્યું હોવાની રજુઆત પુરાવા સાથે રાજકોટ પોલીસ કમિશનરને કરાઇ હતી અને ગેરકાયદેસર રીતે આયુષ્યમાન કઢાવવા માટે લાયક ન હોવા છતાં આયુષ્યમાન કઢાવી યોજનાનો ગેરકાયદેસર રીતે લાભ લીધો હોવાનો આક્ષેપ થયો હતો. અરજદાર કિશન રાઠોડે પોલીસ કમિશનર સમક્ષ આ મામલે તટસ્થ તપાસ કરવા અને એફઆઈઆર નોંધવા માટે વિનંતી કરી હતી. જાે કે ત્યારબાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ દ્વારા તપાસ સમિતિ રચાઇ હતી અને આ તપાસ સમિતિએ રિપોર્ટ પણ કરી દીધો છે. હવે અરજદારે જે તે સમયે ગાંધીનગરની વડી કચેરીઓમાં પણ રજુઆત કરી હોય તેનું ભુત ફરી ધુણ્યું છે અને ગાંધીનગરથી મનપાના આરોગ્ય અધિકારીને તપાસ કરી લેવા આદેશ છૂટ્યા છે.

નોંધનીય છે કે તાજેતરમાં જ હિતેન્દ્ર જાખરીયાની પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે બદલી કરવામાં આવી છે. આ અંગેની જાણવા મળતી વિગત મુજબ, કોઠારિયા રોડ મ્યુ.હડકો કવાર્ટર અરવિંદ મણિધારનગર શેરી નં.૮માં રહેતા કિશનભાઈ કે.રાઠોડે રાજ્ય સરકાર તેમજ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓને એક અરજી પાઠવી હતી. અરજીમાં જણાવ્યા પ્રમાણે, સિવિલ હોસ્પિટલમાં ચીફ નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ હિતેન્દ્ર હિંમતલાલ ઝાંખરિયા કલાસ-ટુ અધિકારી હોવા છતાં ગરીબોને મળતી સવલતો મેળવવા પોતાની આવક ઓછી બતાવી પોતાનું તેમજ પત્ની ભાવનાબેન અને પુત્ર શ્રેયાંશના નામનું આયુષ્માન કાર્ડ કઢાવી લીધું હતું.

કલાસ ટૂ અધિકારી હિતેન્દ્ર ઝાંખરિયાએ તા.૨૨-૩-૨૨ના રોજ પોતાની પત્ની ભાવનાબેનનું સિવિલ હોસ્પિટલમાં એમ.આર.આઈ. કરાવ્યું હતું, જેમાં પત્નીના નામનું આયુષ્માન કાર્ડનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે કૌભાંડનો ભાંડો ફૂટયો હતો. આ અંગે કિશન રાઠોડે જણાવ્યું હતું કે રાજકોટ સિવિલ હોસ્પિટલના ક્લાસ-૨ ઓફિસરે કૌભાંડ કરી આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું છે. આ અંગેની ટપાલ મારા ઘરે કોઈ અજાણી વ્યકિત આવી આપી ગઈ હતી. આ સમયે હું હાજર નહોતો, પણ આ બાબતે મેં ઊંડાણપૂર્વક તપાસ કરી તો ખબર પડી કે સરકારનો નિયમ છે કે જેની આવક વર્ષે ૬ લાખ હોય અને સરકારીમાં વર્ગ ૩ના કર્મચારી હોય તો તેને આ કાર્ડ મળવાપાત્ર હોય છે.

સરકારની એક ઉત્તમ યોજનાનો ક્લાસ ૨ અધિકારી દ્વારા દુરુપયોગ કરાયો કહેવાય. સરકારની યોજના જરૂરિયાત ગરીબ, મધ્યમવર્ગ માટે બનાવવામાં આવી છે, જેમાં મા કાર્ડ, આયુષ્માન કાર્ડ યોજનામાં ગરીબ, મધ્યમવર્ગના લોકો, જેની આવક ઓછી હોય તેવા લોકો આ સહાયનો લાભ લઈ શકે છે, પરંતુ ચીફ નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટે પોતાની સત્તા અને હોદ્દાનો દુરુપયોગ કરી પોતાનું તેમજ પરિવારના નામનું આયુષ્માન કાર્ડ કઢાવી એનો ઉપયોગ પણ કરી લીધો હોવાનું બહાર આવ્યું હતું. જાે કે હાલ સરકાર દ્વારા તેની બદલી કરવામાં આવી છે.

Related Posts