હિમતનગરમાં કેમિકલના ટેન્કરમાંથી વિદેશી દારૂ સાથે ચાલકની ધરપકડ
વિધાનસભાની ચૂંટણીઓમાં વિદેશી દારૂની હેરાફેરી વ્યાપક પ્રમાણમાં થઇ રહી છે. ત્યારે ચૂંટણી મુકત અને ન્યાયીક રીતે યોજાય તે માટે પોલીસ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે. રાજસ્થાનમાંથી વિદેશી દારૂ લઇને ટેન્કર મારફતે અમદાવાદમાં મોકલવાની હોવાની બાતમી મળતા સાબરકાંઠા લોકલક્રાઇમ બ્રાન્ચની ટીમે કાંકણોલ નજીક વોંચ ગોઠવી કેમિકલના ટેન્કરમાં હેરાફેરી કરતા એક શખ્સને ૨૪.૩૧ લાખના વિદેશી દારૂ સહિત ૩૧.૯૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપીને જેલ હવાલે કરાયો હતો. તો ચાર સામે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો છે. આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન વોંચમાં હતા.
તે દરમિયાન ઇન્ચાર્જ પી.આઇ. એસ.જે. ચાવડાને ખાનગી બાતમીદારથી બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી એક શિતલ કેમીકલ લખેલી લાલ કલરની કેબીનવાળુ ટેન્કર વિદેશી દારૂનો જથ્થો લઇને રાજસ્થાન તરફથી અમદાવાદ તરફ જવાનો છે. બાતમીના આધારે એલસીબીના સ્ટાફના વિક્રમસિંહ, વીરભદ્રસિંહ, સનતભાઈ, અમરતભાઈ, પ્રહર્ષકુમાર, વિજયભાઈ, પ્રકાશભાઈ, અનિરુદ્ધસિંહ અને કાળાજી, રમતુજીએ કાંકણોલ નજીક નાકાબંધી કરી ગાંભોઇ તરફથી આવતા વાહનોની તપાસ કરી હતી. તે દરમિયાન બાતમી મુજબ શિતલ કેમીકલ લખેલી લાલ કલરની કેબીનવાળુ ટેન્કર આવતા ટેન્કરના ચાલકને નીચે ઉતારીને પુછપરછ કરવામાં આવી હતી અને ટેન્કર ખોલીને જાેતા ટેન્કરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ નંગ ૪૩૭, બોટલ નંગ ૮૮૪૪ કિંમત રૂપિયા ૨૪,૯૩,૩૬૦નો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ટેન્કરનાચાલક પુષ્કરલાલ ભવરચંદજી ભગાની ડાંગી (પટેલ)ની ધરપકડ કરી કુલ રૂપિયા ૩૧,૯૬,૩૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પૂછપરછ દરમિયાન રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના વલ્લભનગર તાલુકાના દરોલી, વેલવા મહોલ્લામાં રહેતા સુખલાલ ગોવર્ધન ડાંગી, ડેબારીના રહેવાસી પ્રકાશલાલ ડાંગી અને કૈલાસલાલ ડાંગીના નામ ખુલતા એ-ડિવિઝન પોલીસે સ્ટેશનમાં ચાર સામે ગુનો નોધ્યો હતો.
Recent Comments