fbpx
ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર શારજહાંથી આવેલા મુસાફરો બેલ્ટમાં ૨૩ કિલો સોનાની પેસ્ટ લાવ્યા

અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગેરકાયદે લવાતું સોનું ઝડપવા એક ઓપરેશન હાથ ધરાયું હતું. એરપોર્ટ પર સવારે એર અરેબિયાની ફલાઇટમાં શારજહાંથી આવેલા ત્રણ મુસાફરને કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટે ઝડપી લીધા હતા. આ ત્રણ પૈકી બે મુસાફર કમરમાં બેલ્ટની અંદર પેસ્ટ બનાવીને મોટા જથ્થામાં સોનું છુપાવીને લાવ્યા હતા. ગેરકાયદે સોનુ લાવવાની આ મોડસ ઓપરેન્ડી જાેઈને કસ્ટમ્સ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્‌યા હતા. હાલ આ ત્રણેય મુસાફરોની સઘન પૂછપરછ હાથ ધરાઇ છે. મહત્ત્વની વાત એ છે કે, થોડા સમય પહેલા મુંબઇ એરપોર્ટ પર એક મુસાફર ૬૧ કિલો સોનુ બેલ્ટમાં છુપાવીને લાવ્યો હતો. હવે આ જ મોડસ ઓપરેન્ડીથી અમદાવાદ એરપોર્ટ પર લવાયેલું સોનુ ઝડપી લેવાયું છે.

એર અરેબિયાની ફલાઇટમાં શારજહાંની ફલાઇટ સવારે અમદાવારમાં લેન્ડ થઇ હતી. તેમાં સવાર ત્રણ મુસાફર ઇમિગ્રેશન કરાવીને કન્વેયર બેલ્ટ પરથી લગેજ લઇને કસ્ટમ્સ તરફ ગયા હતા. ત્યાં ફરજ પર હાજર એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓને શંકાસ્પદ હિલચાલના આધારે તેમને અટકાવ્યા હતા. આ ત્રણેયની પૂછપરછ કરાતા તેઓ મૂંઝાઇ ગયા હતા અને યોગ્ય જવાબો આપી ન શકતા અધિકારીઓને વધુ શંકા ગઇ હતી. એટલે તે ત્રણેયની બેગ ખોલીને તપાસ કરી હતી, પરંતુ કશું નહીં મળતા તેમને મેટલ ડિટેક્ટરમાંથી પસાર કરીને ચેકિંગ કરાયું હતું. આ દરમિયાન બીપ અવાજ આવતા બે મુસાફરે કમરમાં પહેરેલા બેલ્ટમાં સોનાની ૨૩ કિલો પેસ્ટ મળી આવી હતી.

ભારતીય બજારમાં આટલા સોનાની કિંમત રૂ. ૧૩ કરોડ થવા જાય છે.હવે કસ્ટમ્સે આ સોનુ તેમને કોણે આપ્યું છે, અમદાવાદમાં કોને ડિલિવરી આપવાની હતી અને તેમને કેટલું કમિશન મળે છે, તે જાણવા તેમની સઘન પૂછપરછ હાથ ધરી છે. અખાતી દેશોમાં ૨૪ કેરેટ સોનામાં અને ભારતીય બજારમાં કિલોએ ત્રણ લાખનો તફાવત આવતા દેશમાં સોનાની દાણચોરી વધી છે. જેમાં કેરિયરો અવનવી મોડસ ઓપરેન્ડીથી જુદાજુદા એરપોર્ટનો ઉપયોગ કરી સોનુ દેશમાં ઘૂસાડી દે છે, જેમાં અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરીનું હબ બની ગયું છે.

સોનાની દાણચોરી કરવા તેની પેસ્ટ બનાવાય છે અને બાદમાં તે તેને ફરી પાઉડરમાં રૂપાંતરિત કરી દેવાય છે. આ દરમિયાન સોનું કેટલાક રાસાયણિક સોલ્યુશનથી ધોવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં નવથી બાર કલાકનો સમય લાગે છે. થોડા સમય પહેલાં અમદાવાદ એરપોર્ટના વીઆઇપી લોન્જ કે ટોઇલેટમાંથી ૨૦૦ કિલોથી વધુ સોનું બહાર કઢાયાનો ઘટસ્ફોટ થયો હતો. આ પૈકી ફક્ત ૧૨ કિલો સોનાનો જ કેસ નોંધાયો છે.

Follow Me:

Related Posts