વડોદરાના સિંઘરોટમાં એટીએસની કાર્યવાહી, ૫ની અટકાયત, તબેલાની આડમાં બનાવાતું ડ્રગ્સ
વડોદરા શહેર નજીક આવેલ સિંઘરોટ ગામના ખેતરમાં ભેંસના તબેલાની આડમાં ચાલતી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીને એટીએસ દ્વારા દરોડો પાડી ઝડપી લેવામાં આવી છે. આ મામલે પાંચ શખ્સોની અટકાયત કરી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. વડોદરા શહેરના છેવાડે આવેલા સિંધરોટ ગામના એક જાણીતા ફાર્મ હાઉસની પાછળ ખેતરમાં આવેલા પતરના શેડમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું છે તેવી બાતમી અમદાવાદ એટીએસને મળી હતી. જેના આધારે રાત્રે એટીએસ દ્વારા દરોડો પાડી ખેતરમાં પતરાના શેડમાં ચાલતી ફેક્ટરીને ઝડપી લેવામાં આવી છે. એટીએસ દ્વારા જપ્ત કરવામાં આવેલ ડ્રગ્સ અને તેના મિટિરિયલની કિંમત અંદાજે ૫૦૦ કરોડ રૂપિયાની હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે.
તેમજ અહીંથી અમદાવાદ, સુરત અને કચ્છમાં જથ્થો લાવવામાં તથા લઇ જવામાં આવતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. સિંઘરોટ ગામના છેડે ખેતરમાં જ શંકાસ્પદ એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. આ માટે આરોપીઓએ કોઇને શંકા ન જાય તે માટે ભેંસનો તબેલો બનાવ્યો હતો અને ત્યાં ઘાંસ ચારો રાખવા માટે શેડ બનાવ્યો હોય તેવી તરકિબ અજમાવી હતી. જેથી ગામના લોકોને પણ આ પ્રવૃત્તિ પર શંકા ન જાય. એટીએસ દ્વારા દરોડા સમયે ત્રણ વ્યક્તિની અટકાયત કરી લેવામાં આવી હતી. તેમજ તેમની પૂછપરછને આધારે અન્ય બે વ્યક્તિઓને પણ અટકાયતમાં લેવામાં આવ્યા છે. તેમજ આ ડ્રગ્સ માટેનું મટિરિયલ તેઓ ક્યાંથી લાવતા અને કોને સપ્લાય કરવામાં આવતું તેની તપાસ કરવામાં આવી રહી છે.
ડ્રગ્સ બનાવવા ક્યું મિટિરિયલ વપરાયું છે તે અંગેની ચકાસણી માટે એફએસએલની ટીમ રાતથી જ ઘટનાસ્થળે તૈનાત છે. રાતથી ચાલી રહેલી આ કાર્યવાહી બપોર કે સાંજ સુધી ચાલે તેવી શક્યતા છે. ઓગષ્ટ મહિનામાં વડોદરાના સાવલી તાલુકાના મોક્સી ગામમાં આવેલી નેક્ટર કેમ નામની કેમિકલ ફેક્ટરીમાંથી ૧૧૨૫ કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. જે મામલે ડ્રગ્સ માફિયાઓએ ૪૨૦૦ લીટર મેફેડ્રોન તૈયાર કર્યાની કરી કબૂલાત કરી છે. આ મામલે એટીએસએ કંપનીના માલિક સહિત ૬ લોકોની ધરપકડ કરી હતી.
Recent Comments