ગુજરાત

અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર ટ્રેલરે રોડ સાઈડમાં ઉભેલા બે વાહનોને અડફેટે લેતાં એકનું મોત

નડિયાદ નજીકથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર રાત્રે એક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. અમદાવાદ તરફથી પુરપાટે આવતા ટ્રેલરે હાઈવેની સાઈડમા ઉભેલા બે વાહનોને ટક્કર મારી હતી. જેમાં એક વ્યકિતનું સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું છે. આ મરણજનાર વ્યક્તિ પોતાના વાહનમા પંક્ચર પડતાં જેક ચઢાવી ટાયર બદલતા હતા તે દરમિયાન જેક ચઢાવતી વખતે જ આ ટ્રેલરે ટક્કર મારી છે. જાેકે આ પહેલા આ ટ્રેલરે આ પંક્ચર પડેલ વાહનની પાછળ ઉભેલા એક વાહનને પણ ટક્કર મારી હતી. નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. નડિયાદ પાસેથી પસાર થતા અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર રાત્રે અશોક લેલન દોસ્ત ગાડી નંબર (જીજે ૦૯ એયુ ૪૫૩૮) વડોદરા જઈ રહી હતી. આ દરમિયાન આ વાહનના પાછળના વ્હિલમા પંક્ચર પડતા ચાલક દિનેશ ભરતસિંહ રાઠોડ (ઉ.વ.૩૦) પોતાનુ વાહન હાઈવેની સાઈડમાં શેઢી નદી નજીક અરેરા ગામની સીમમાં વાહન ઉભું રાખ્યું હતું.

પાછળ આવતા પ્રાંતિજના કીસ્મતજી બકાજી મકવાણા પોતાનું વાહન મહેન્દ્ર પીકઅપ ગાડી લઈને આવતાં હતાં. તેથી તેઓએ ઉપરોક્ત અશોક લેલન પાછળ પોતાનું વાહન નંબર (જીજે ૦૯ એયુ ૪૧૯૫) ઉભુ રાખી મદદે આવ્યા હતા. દિનેશભાઈ રાઠોડ પોતાના વાહનને જેક ચઢાવી ટાયર બદલતા હતા. આ દરમિયાન અમદાવાદ તરફથી પુરપાટે આવી રહેલ ટ્રેલર નંબર (એમએચ ૪૬ એએફ ૭૨૫૨)એ સૌપ્રથમ મહેન્દ્ર ગાડીને ટક્કર મારી હતી જે પછી ઉપરોક્ત અશોક લેલનને ટક્કર મારી હતી. આથી જેક ચઢાવતા દિનેશભાઈ રાઠોડને શરીરે ગંભીર ઈજા થતાં તેઓનું સ્થળ પર જ મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે મૌલિકભાઈ અરુણભાઈ ખમારે નડિયાદ ગ્રામ્ય પોલીસને જાણ કરતાં પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

Related Posts