રાષ્ટ્રીય

સિદ્ધુ મુસેવાલા હત્યાનો માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર ગોલ્ડી બરાર કેલિફોર્નિયામાં પકડાયો

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાના માસ્ટરમાઈન્ડ ગોલ્ડી બરારને અમેરિકાના કેલિફોર્નિયામાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને પૂછપરછ કરાઈ. સૂત્રોના જણાવ્યાં મુજબ ગોલ્ડીને ૨૦ નવેમ્બરના રોજ ડિટેન કરાયો હતો. બીજી બાજુ ભારત સરકારે પણ ગોલ્ડી બરારના પ્રત્યાર્પણની તૈયારીઓ તેજ કરી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ગોલ્ડી બરારની એફબીઆઈએ પૂછપરછ કરી છે. તે કેનેડાથી અમેરિકા આવ્યો છે અને ડ્રગ્સનો કારોબાર કરી રહ્યો છે. અનેક વારદાતોમાં પણ તેનું નામ સામેલ છે. ગોલ્ડી બરારે પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની ધોળે દિવસે થયેલી હત્યાની જવાબદારી લીધી હતી.

સતિંદરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાર પંજાબના શ્રીમુક્તસર સાહિબનો રહીશ છે. તે વર્ષ ૨૦૧૭માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. તે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો એક્ટિવ મેમ્બર પણ છે. ગત મહિને ડેરા સચ્ચા સોદાના અનુયાયીની હત્યામાં પણ તેનો હાથ હતો. મુસેવાલાના પિતાએ કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી કે બરારને પકડવા માટે જે વ્યક્તિ માહિતી આપશે તેને તેઓ બે કરોડ રૂપિયા ઈનામ આપવામાં આવે. તેના એક દિવસ બાદ ગોલ્ડી બરાર અંગે આ જાણકારી સામે આવી છે. બલકૌર સિંહે કહ્યું હતું કે જાે સરકાર આટલી મોટી રકમ આપવામાં તો સક્ષમ ન હોય તો તેઓ પોતાના ખિસ્સામાંથી આ રકમ આપી શકે છે.

નોંધનીય છે કે શુભદીપ સિંહ ઉર્ફે સિદ્ધુ મુસેવાલાની ૨૯મી મેના રોજ પંજાબના મનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગે તેની હત્યાની જવાબદારી લીધી હતી. પંજાબ સરકાર પર આરોપ લગાવતા બલકૌર સિંહે કહ્યું હતું કે સિદ્ધુ મુસેવાલાના નિધન બાદ પણ સરકાર ૨ કરોડ રૂપિયાનો ઈનકમ ટેક્સ વસૂલી રહી છે જે મારો પુત્ર દર વર્ષે ભરતો હતો. તેમણે કહ્યું હતું કે સરકારે તે વ્યક્તિ માટે ૨ કરોડ રૂપિયા ઈનામ જાહેર કરવું જાેઈએ જે ગોલ્ડી બરારને પકડવામાં મદદ કરે.

Related Posts