fbpx
સૌરાષ્ટ - કચ્છ

મુન્દ્રા તાલુકાના મોખા ટોલ નાકા નજીક એક્ટિવા સ્લીપ થતાં વૃદ્ધ દંપતી ઉપર ટ્રેઇલર પૈડાં ફરી વળતા બંનેના મોત

મુન્દ્રા તાલુકાના મોખા ટોલ નાકા નજીક બનેલા અકસ્માતના ગમખ્વાર બનાવમાં ટેઈલર ની હડફેટે ચડેલા મુન્દ્રાનું દંપતિ સ્થળ પર કાળનો કોળિયો બની જતાં લોકોનું ટોળું એકત્રિત થઇ ગયું હતું. પતિ પત્ની પર ભારેખમ વાહનના છ પૈડાં ફરી જતાં તેમના ચગદાયેલા મૃતદેહ જાેઈ અરેરાટી ફેલાઈ હતી. ઘટના સ્થળેથી પ્રાપ્ત માહિતી મુજબ મોખા ટોલનાકા થી એક કિમી દૂર પુલ નજીક સાંજે બનેલી ઘટનામાં મુન્દ્રાથી ગાંધીધામ તરફ એક્ટિવા પર સવાર થઇ જઈ રહેલા મુન્દ્રાના મહેશનગરમાં રહેતા ૬૨ વર્ષીય આસમલભાઈ બુધ્ધાભાઈ કન્નડ જેઓ તાજેતરમાં કસ્ટમ કર્મચારી તરીકે નિવૃત થયા હતા. તેમના ૫૮ વર્ષીય પત્ની સુમલબેન પણ તેમની સાથે એક્ટિવા સવાર હતા. આસમાલભાઈએ કંટ્રોલ ગુમાવતા એક્ટિવા સ્લીપ થઇ હતી અને પાછળથી પૂરપાટ વેગે આવતું ટેઈલર તેમના પર ફરી વળતાં બંન્નેનું સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

દંપતીના શબને પોસ્ટમોર્ટમ અર્થે મુન્દ્રાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર મધ્યે ખસેડાતાં પરિસરમાં મહેશ્વરી સમાજના યુવાનોનું ટોળું એકત્રિત થઇ ગયું હતું અને એક તબક્કે માહોલમાં ગમગીની છવાઈ હતી. સરકારી હોસ્પિટલમાં પહોંચેલી સ્થાનિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ઉપરોક્ત કરુણ બનાવને લઇ મુન્દ્રા પોલીસે ટોલનાકા સ્થિત સીસીટીવી તપાસતાં અકસ્માત વેળાએ ત્યાંથી ૫૧ ભારે વાહનો પસાર થયા હોવાનું સામે આવ્યું હતું. જેથી પલાયન થઇ ગયેલ અજાણ્યા ટેઈલર ચાલકની ઓળખ થઇ શકી ન હતી.

હોસ્પિટલ મધ્યે હતભાગી પરિવારને સાંત્વના આપવા પહોંચેલા મુન્દ્રા તાલુકા પંચાયતના વિપક્ષી નેતા નવીન ફ્ફ્લે ટોલના સંચાલકો પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફ્ળ નીવડ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ટોલ નજીક દૂર સુધી ડોકાતા બાવળના ઝૂંડ હટાવામાં આવતા ન હોવાથી છાસવારે અકસ્માત ની ઘટનાઓ બનતી હોવાની લાગણી વ્યક્ત કરી હતી. અત્રે નોંધનીય છે કે બે માસ અગાઉ આજ સ્થળે અજાણ્યા વાહન ચાલકે તલાટી ને હડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું.

Follow Me:

Related Posts