ગુજરાત

દમણમાં શખ્શે ATM કેબિનમાં યુવકનું એટીએમ કાર્ડ બદલી ૧.૭૦ લાખ ઉપાડનાર આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

દમણમાં એટીએમ કેબિનમાં જઇ રૂપિયા કાઢવા અન્ય વ્યક્તિની મદદ માંગતા યુવક સાથે છેતરપિંડી કરી ખાતામાં રૂપિયા નથી કહી કાર્ડ બદલી નાંખ્યા બાદ ઇસમે તેના ખાતામાંથી ૧૪ વખત ટ્રાંજેક્શન કરી રૂ.૧,૭૦,૦૦૦ કાઢી લેતા ફરિયાદ નોંધાવાઇ હતી. જેમાં પોલીસે વાપી ડુંગરી ફળિયા ખાતે રહેતા આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. નાની દમણ ખાતે રહેતા રાજરાખન વૈધનાથ પાલએ ૨ ડિસેમ્બરના રોજ દમણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ સવારે એચડીએફસી એટીએમ કાર્ડ લઇ દલવાડા સ્થિત બાસુકીનાથ મંદિર પાસે રૂપિયા કાઢવા માટે ગયા હતા. કાર્ડ વાપરવા ન આવતા અંદર હાજર ત્રણ વ્યક્તિ પૈકી એક વ્યક્તિ પાસેથી તેમણે મદદ માંગી હતી.

કાર્ડ નાંખી તમારા ખાતામાં રૂપિયા નથી તેમ કહી સામાવાળા વ્યક્તિએ કાર્ડ બદલી નાંખ્યા હતા. જેથી ફરીવાર એટીએમમાં આવી વોચમેનથી મદદ માંગતા કાર્ડ ચાલ્યો ન હતો. બેંકમાં જઇ તપાસ કરતા કાર્ડ બીજા વ્યક્તિનું હોવાનું બહાર આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસ તપાસમાં પીડિતના અકાઉન્ટમાંથી ૧૪ વખત ટ્રાંજેક્શન કરી કુલ રૂ.૧,૭૦,૦૦૦ કાઢી લીધા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બાતમીના આધારે કાર્ડ બદલી રૂપિયા કાઢનારા આરોપી બિપિન ગંગારામ યાદવ ઉ.વ.૩૨ રહે.આઝાદ નગર, ડુંગરી ફળિયા, ડુંગરા વાપી મુળ આજમગઢ યુપી ની બુધવારે ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ૯ ડિસેમ્બર સુધી તેને પોલીસ કસ્ટડીમાં રાખવાની મંજૂરી આપી હતી.

Related Posts