ગુજરાત

બોરસદના માથાભારે સાગરિતોએ વેપારી પર હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા, ઘટના સીસીટીવીમાં કેદ

બોરસદના પામોલ ગામે રહેતો કૂખ્યાત પપ્પુ પામોલે રાત્રે નગરના વેપારીને જાહેરમાં ફિલ્મીઢબે લોખંડની પાઇપ અને લાકડાથી મારમાર્યો હતો.જીવલેણ મારને કારણે વેપારીના હાથે પગે ફેક્ચર થઈ ગયું છે અને હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અંગે વેપારીની ફરિયાદ આધારે પોલીસે પાંચ શખસો સામે ગુનો નોંધ્યો હતો.હુમલાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. બોરસદમાં નજીવી તકરારમાં પામોલના ઈસમે નગરના વેપારીને જીવલેણ ફટકા મારી બેભાન કરી દીધો હતો.ગુંડા ટોળકીએ સરા જાહેરમાં એવો માર માર્યો કે આસપાસ કોઈ બચાવવાની હિંમત પણ કરી શક્યા નહોતા.આ મારામારીની સઘળી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને કમકમાટી લાવી દે તેવા સીસીટીવી ફૂટેજ હાલ વાઇરલ પણ થઈ ગયા છે.જાેકે પોલીસે આરોપીને ઝડપવા કવાયત તેજ બનાવી છે.

બોરસદની આણંદ ચોકડી પાસે લવકુશ એપાર્ટમેન્ટમાં રહેતા જયેશકુમાર ઉર્ફે ચંદ્રેશ રમેશભાઈ પટેલ ડિશ કેબલનો વ્યવસાય કરે છે. તેમનો મિત્ર અક્ષય બારીયા, નિલેશ પરમારની સાથે બાકી લોનવાળા વાહનો સીઝ કરવાનું કામ કરે છે. આ અક્ષયને કોઇ બાબતે કૂખ્યાત પપ્પુ પામોલ સાથે ઝઘડો થયો હતો. આ પપ્પુ પામોલ એટલે કે જૈમિન રબારી સામે મારામારીના કેસો નોંધાયેલા છે અને માથાભારે શખસ તરીકે છાપ ધરાવે છે. આ દરમિયાનમાં જયેશભાઈ ૧૩મીની રાત્રે આણંદ ચોકડી પર હોટલમાં ચા પીવા માટે ગયાં હતાં. જ્યાંથી તેઓ ઘરે પરત આવવા ગાડીમાં બેઠાં હતાં. આ દરમિયાન અચાનક ચાર-પાંચ વ્યક્તિ આવી ગાડીનો દરવાજાે ખોલી તેમને ઢસડી નીચે પાડી માર મારવાનું શરૂ કર્યું હતું.

જેમાં પપ્પુ પામોલ લોખંડની પાઇપ સાથે અને બીજા ચાર શખસ લાકડાના દંડા સાથે મારવા લાગ્યાં હતાં.આ લોકોએ બન્ને હાથે,પગે,બરડામાં લોખંડની પાઇપ અને લાકડીઓ મારી હતી.આ વખતે પપ્પુ પામોલે જીવતો નહીં છોડું તેમ કહી અપશબ્દ બોલવા લાગ્યો હતો.આ હુમલામાં માથામાં લોખંડની પાઇપના ઉપરા છાપરી ઘા મારતાં ગંભીર ઇજા પહોંચી હતી. આ સમયે પપ્પુએ હવે મારી મેટરમાં પડીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી માણસોને લઇ જતો રહ્યો હતો.આ ઘટનાની જાણ થતાં જયેશભાઈનો મિત્ર આગમ શાહ આવી ગયાં હતાં અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. આ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, જયેશભાઈએ પપ્પુ પામોલને અક્ષય બારીયા સાથે કરેલા ઝઘડામાં અક્ષયને માર નહીં મારવા સમજાવતા તેની અદાવત રાખી ચાર સાગરિત સામે પાઇપ અને દંડા વડે હુમલો કર્યો હતો. આ અંગે પોલીસે જૈમીન રબારી ઉર્ફે પપ્પુ પામોલ તથા ચાર અજાણ્યા શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts