સિદ્ધપુરના દેથળી ચાર રસ્તા નજીક અજાણ્યા વાહને આધેડને અડફેટે લીધા, ઈજા પહોંચતા મોત
સિદ્ધપુરના દેથળી ચાર રસ્તા નજીક બસની રાહ જાેઈ ઉભેલા એક આધેડને કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધો હતો. જેથી તેને ગંભીરઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઈ પોલીસે ઘટનાસ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતની મળતી હકીકત મુજબ, સિદ્ધપુર ખોલવાડા પાસે સ્પ્રિંકલ વોટર પાર્કની સામે, રામદેવનગર ટાઉનશીપમાં રહેતાં મૂળ સિદ્ધપુર હરસિદ્ધ સોસાયટીના રહીશ અશોકકુમાર હીરા ચક્રવર્તી સવારે રાધનપુર ખાતે નોકરી સારું જવા માટે દેથળી ચોકડી, સિદ્ધપુર ખાતે બસની રાહ જાેઈ ઉભા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહને તેઓને ટક્કર મારતા ગંભીર ઇજાઓને કારણે તેઓનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે દોડી આવી મૃત્યુ પામેલા વ્યક્તિનું પંચનામું કરી સિદ્ધપુર જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરી લાશ વાલી વારસોને સોંપવામાં આવી છે. ઉપરોક્ત માર્ગ પર અવારનવાર બનતાં અકસ્માતના બનાવોને લઈને આ માર્ગ પર બમ્પ મૂકવામાં આવે તેવી માગ વિસ્તારના લોકોમાં ઉઠી છે.
Recent Comments