ગુજરાત

વાવોલની કન્સ્ટ્રક્શન સાઈટ પરથી ૬.૮૭ લાખના એલ્યુમિનિયમની ચોરી કરનાર બેને ઝડપાયા

ગાંધીનગરના વાવોલ ખાતે આવેલી સહજાનંદ શિલ્પ નામની બાંધકામ સાઈટ પરથી તાજેતરમાં રૂ. ૬.૮૭ લાખની કિંમતની એલ્યુમિનિયમ સેકશનની ચોરીના ગુનામાં સેકટર – ૭ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. એલ્યુમિનિયમ સેકશનની ચોરીને અંજામ આપ્યાં પછી ભંગારના ગોડાઉનમાં તેને ઓગાળી દઈ ૨૧૪ નંગ પાટો(ચોખલા) બનાવી દેવામાં આવ્યા હતા. ગાંધીનગરના કુડાસણ રહેતા મહેંદ્રભાઈ પટેલ શ્રીજી એન્ટરપ્રાઈઝના નામે એલ્યુમિનિયમ સેકશનનો વ્યવસાય કરે છે. ત્યારે વાવોલમાં નવી બનતી સહજાનંદ શિલ્પ નામની કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર ઓર્ડર મુજબ રૂ, ૬,૮૭,૪૦૬ ની કિંમતનું એલ્યુમિનિયમ અલગ અલગ સાઈઝની સેકશનો તા. ૧૬ મી ડિસેમ્બરના રોજ ઉતારવામાં આવી હતી. જે ચોરાઈ જતાં સેક્ટર – ૭ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જે અન્વયે પીઆઈ પરાગ ચૌહાણનાં સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડના ઈન્ચાર્જ પીએસઆઇ એચ કે સોલંકીએ સ્ટાફના માણસો ઘનિષ્ઠ તપાસનો દોર હાથ ધરી ચાલીસ જેટલા સીસીટીવીની ચકાસણી હાથ ધરી બાતમીદારોને કામે લગાડયા હતા. ત્યારે સીસીટીવીમાં શંકાસ્પદ હાલતમાં એક પીકઅપ ડાલું જાેવા મળ્યું હતું. જે અડાલજના બાલાપીરથી આગળ ગયું ન હતું. જેનાં પગલે સર્વેલન્સ ટીમ દ્વારા અત્રેના વિસ્તારોમાંથી તપાસનો દોર શરૂ કરતાં બાતમી મળી હતી કે, શંકાસ્પદ પીકઅપ ડાલું સુઘડ સત્યમેવ છાવણી બંગલોઝની પાસેના ખેતરમાં પડયું છે. જેથી સર્વેલન્સની ટીમે રાધેશ્યામ માધવલાલ પ્રજાપતિ (મારવાડી) (રહે. સત્યમેવ છાવણી પાસેના ખેતરમાં, મૂળ રાજસ્થાન) ને ઉઠાવી લઈ પોલીસ મથકે કડકાઈથી પૂછતાંછ શરૂ કરાઈ હતી.

પોલીસની કડકાઈથી રાધેશ્યામ ભાંગી પડ્યો હતો અને કબૂલાત કરી હતી કે, ઉક્ત એલ્યુમિનિયમ સેકશનને હેન્ડ ગ્લેન્ડર મશીનથી ટુકડા કરીને ચાંદખેડાના બગલાવાડી તલાવડી બંગલો મકાન નંબર – ૩૪ માં રહેતા સંતોષ નારાયણભાઈ પ્રજાપતિ (મારવાડી) ને વેચી મારી હતી. આ અંગે પીએસઆઇ સોલંકીએ જણાવ્યું હતું કે, રાધેશ્યામને સાથે રાખીને સંતોષનાં ભંગારના ગોડાઉનમાં તપાસ કરતા એલ્યુમિનિયમ સેકશનના ટુકડાને ઓગાળીને ચોખલા કરી દેવામાં આવ્યાં હતા. જેથી સંતોષની પણ ધરપકડ કરી રૂ. ૨.૭૦ લાખની એલ્યુમિનિયમનાં ૨૧૪ નંગ ચોખલા, પીકઅપ ડાલું, બે મોબાઈલ સહિતનો મુદામાલ કબ્જે લઈ ગુનાનો ભેદ ઉકેલી દઈ આરોપીઓના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Related Posts