fbpx
ગુજરાત

વલાદ ગામની સીમમાં નશો કરીને આવેલા ૫ યુવકનો ચોકીદાર પર હુમલાની ઘટના સામે આવી

વલાદ ગામની સીમમા આવેલા ખેતરમા ચોકી કરતા ચોકીદારને બાજુના ખેતરમા આવેલા ૫ લોકોએ માર માર્યો હતો. રાત્રિના સમયે ૫ લોકો નશો કરીને દેકારો કરી રહ્યા હતા. જેને લઇ ચોકીદારે શોર નહિ કરવાનુ કહેતા પીધેલા ઉશ્કેરાઇ ગયા હતા અને સીધા જ મારામારી કરવા લાગ્યા હતા. જેને લઇ ચોકીદારને શરીરે ઇજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે લઇ જવામા આવ્યો હતો. જ્યારે આરોપીઓ સામે ડભોડા પોલીસ મથકમા ગુનો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ અભિષેક રાજેશકુમાર શર્મા (રહે, સર્જન શોપિંગ સેન્ટર, ન્યૂ નરોડા, અમદાવાદ) છેલ્લા ત્રણ વર્ષથી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. જ્યારે હાલમા અનિલભાઇ શેઠની વલાદ ગામની સીમમા ખેતર સરસામાનની ચોકી કરે છે. ત્યારે રાત્રિના સમયે એક કારમા કેટલાક પીધેલા આવ્યા હતા અને બૂમબરાડા પાડી રહ્યા હતા. જેથી ખેતરમા બેટરીની લાઇટ કરતા માલિકની બાજુમા આવેલા ખેતરના માલિક મહેશ ગોર અને તેની સાથે ના માણસો હોવાનુ જાેવા મળ્યુ હતુ. નશાની હાલતમા તમામ લોકો બુમબરાડા પાડી રહેલાને ના પાડવામા આવતા મહેશ ગોરની સાથે આવેલા શખસ કહેવા લાગ્યો હતો કે, આ કોણ છે ?. તેમ કહીને તમામ લોકો ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળાગાળી કર્યા પછી મારામારી કરવા લાગ્યા હતા.

જેમા ચોકીદારને બચાવવા આવેલા વિક્રમસિંહને પણ માર મારવામા આવ્યો હતો. વધુ મારામારી થતા ચોકીદારે તેના મિત્ર રાધેશ્યામ શર્માને ફોન કરી બોલાવતા તમામ લોકો ધમકી આપીને ભાગી ગયા હતા. ત્યારબાદ ચોકીદાર ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલમા લઇ જવાયો હતો. આ બનાવ બાદ ડભોડા પોલીસ મથકમાં મહેશ ગોર સહિતના ૫ લોકો સામે મારામારીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts