બોલિવૂડ

૨૦૨૩માં પઠાણ, ટાઇગર ૩, અને આદિપુરુષ ફિલ્મ મચાવશે ધૂમ!

વર્ષ ૨૦૨૨માં મનોરંજન ઇન્ડસ્ટ્રી પર સાઉથની ફિલ્મોનો દબદબો રહ્યો હતો. જેમાં કેજીએફ ૨, આરઆરઆર અને કંતારા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મોએ કમાણીની બાબતમાં પણ બોલિવૂડની ફિલ્મોને પાછળ છોડી દીધી હતી. બોલિવૂડમાં આ વર્ષે ભૂલ ભુલૈયા ૨, બ્રહ્માસ્ત્ર, ગંગુબાઈ કાઠિયાવાડી અને દ્રશ્યમ ૨ જેવી ફિલ્મો રિલીઝ થઈ હતી. હવે ૨૦૨૩ની શરૂઆત થનાર છે, ત્યારે બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મો રિલીઝ થશે. જેમાં શાહરુખ ખાનની પઠાણ, સલમાન ખાનની ટાઇગર ૩, અને સાઉથના અભિનેતા પ્રભાસની આદિપુરુષનો સમાવેશ થાય છે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ ૨૫ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં છે. સાથે જ જાેન અબ્રાહમ પણ મહત્વના રોલમાં જાેવા મળશે. આ ફિલ્મથી શાહરૂખ ખાન લગભગ ચાર વરસ બાદ મોટા પડદે કમબેક કરવાનો છે.

આ પહેલા તે ઝીરો ફિલ્મમાં જાેવા મળ્યો હતો. શાહરૂખ ખાનને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. હવે જાેવા મળશે કે આ ફિલ્મ કેટલું સારું પ્રદર્શન કરે છે. સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ટાઈગર ૩ વર્ષ ૨૦૨૩માં દિવાળીના અવસર પર થિયેટરોમાં જાેવા મળશે. આ ફિલ્મને મનીષ શર્માએ ડિરેક્ટ કરી હતી. સાથે જ ઇમરાન હાશ્મી આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં જાેવા મળશે. ફિલ્મ ‘એક થા ટાઈગર’નો પહેલો ભાગ વર્ષ ૨૦૧૨માં રિલીઝ થયો હતો. બીજાે ભાગ ‘ટાઇગર ઝિંદા હૈ’ વર્ષ ૨૦૧૭માં આવ્યો હતો. જાણકારી મુજબ ટાઇગર ૩ને હિન્દી, તમિલ અને તેલુગુ એમ ત્રણ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. સાઉથનો બેસ્ટ એક્ટર પ્રભાસ આદિપુરુષમાં લીડ રોલમાં જાેવા મળવાનો છે. આ ફિલ્મની ઘોષણા થઈ ત્યારથી જ આ ફિલ્મ ખૂબ જ ધૂમ મચાવી રહી છે.

આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન, કૃતિ સેન પણ લીડ રોલમાં જાેવા મળશે. ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે. આ ફિલ્મ ૧૨ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની હતી. ત્યારબાદ તેની તારીખ બદલવામાં આવી હતી. હવે આ ફિલ્મ ૧૬ જૂન ૨૦૨૩ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ રામાયણ પર આધારિત છે, જેમાં પ્રભાસે ભગવાન શ્રી રામનો રોલ કર્યો છે, જ્યારે કૃતિ સેનન માતા સીતાના રોલમાં જાેવા મળશે. સાથે જ સૈફ અલી ખાન રાવણનો રોલ નિભાવતો જાેવા મળશે. આ સિવાય વર્ષ ૨૦૨૩માં અર્જુન કપૂરની કુત્તે, સિદ્ધાર્થ મલ્હોત્રાની મિશન મજનુ, જ્હોન અબ્રાહમ અને માનુષી છિલ્લરની તેહરાન અને ગાંધી ગોડસે – અ વોર જેવી ફિલ્મો પણ જાેવા મળશે.

Related Posts