ગુજરાત

સુરતમાં જીયાવના સિમેન્ટ પ્લાન્ટમાં રેતીના ઢગમાં દટાતાં આધેડનું મોત

જીયાવ બુડીયા રોડ ખાતે આવેલા સિમેન્ટ કોંક્રિટના એક પ્લાન્ટમાં રેતીના હાપરમાં પગ લપસીને પડી જતા ૧૦ ટન રેતી નીચે દબાઈ જતા આધેડનું મોત નીપજ્યું હતું. આધેડ હાપરમાં જતી રેતીમાં કોઈક મોટો પથ્થર આવે તો તેને સાઈડમાં કાઢવાની કામગીરી કરતા હતા. અકસ્માતે અંદર પડી જતા રેતી નીચે દબાઈ ગયા હતા. પાંડેસરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે. પાંડેસરા પિયુષ પોઈન્ટ પાસે રહેતા સંજય વિજય ઠાકુર(૫૭)જીયાવ બુડીયા રોડ ખાતે આવેલા પોલોની રોડ બિલ્ડર્સ(આરએમસી) કંપનીમાં સિમેન્ટ-કોંક્રિટના પ્લાન્ટમાં કામ કરતા હતા. ત્યારે અકસ્માતે કોઈક રીતે લપસીને હાપરની અંદર પડી ગયા હતા અને તેમાં ઠલવાતી રેતી તેમની ઉપર પડતા ૧૦ ટન રેતી નીચે દબાઈ ગયા હતા.

થોડો સમય બાદ સંજયભાઈ ન દેખાતા સાથી કર્મચારીઓએ શોધખોળ હાથ ધરી હતી. હાપરમાં આવેલી રેતી ખસેડતા તેઓ તેમાંથી મળી આવ્યા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતક સંજય ઠાકુર રેતીના હાપર મશીનમાં રેતી ઠલવાય તેમાં મોટો પથ્થર કે કોઈક વસ્તુ આવવાથી રેતી અટકી ન જાય તેનુ ધ્યાન રાખવાનું કામ કરતા હતા. તેઓ હાપર પર કામ કરતા હતા. ત્યારે લપસી જતા હાપરની અંદર ખાબક્યા હતા અને ઉપરથી ૧૦ ટન રેતી તેમના ઉપર પડી હતી.

Related Posts