ગઢડા તાલુકાના ઉગામેડી ગામે કેન્દ્રીય સંચાર બ્યુરો જૂનાગઢ દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવાયો
સ્વતંત્રતા સંગ્રામ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે જાણકારી આપી લોકોમાં રાષ્ટ્ર ભાવનાનો સંચાર કરવાના ઉદ્દેશ્ય સાથે દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલય કેન્દ્રીય સંચાર બ્યુરો, જૂનાગઢ દ્વારા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. ઉગામેડીનાં સરદાર પટેલ વિદ્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં ગઢડા તાલુકાના બી.આર.સી રાજદિપસિંહ રાઓલ, કેળવણી નિરીક્ષક અજીતસિંહ ડાભી, તાલુકા કારોબારી ચેરમેન વિનુભાઈ અણઘણ, ઉગામેડી ગામના સરપંચ ઠાકરશીભાઈ, બોટાદ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ મિયાણી, સરદાર પટેલ વિદ્યાલયના આચાર્ય પ્રવીણભાઈ લીંબડીયા તેમજ ગામના સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી.
કેન્દ્રીય સંચાર બ્યુરો, જૂનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી એ આઝાદીની જુદીજુદી ચળવળ સાથે સ્વતંત્રતા સંઘર્ષ વિશે જાણકારી આપી દેશમાં ઉજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્સવ વિશે માહિતી આપી હતી. અમૃત મહોત્સવની ઉજવણીના પાંચ સ્તંભો આઝાદીનો સંઘર્ષ, ૭૫ વર્ષે વિચારો, ૭૫ વર્ષે સિદ્ધિઓ, ૭૫ વર્ષે કાર્યો અને ૭૫ વર્ષે આપણા સંકલ્પો એ વિશે વિસ્તૃતમાં જાણકારી આપવાની સાથે સરકારની વિભિન્ન યોજનાઓ અને અભિયાનો વિષયક જાણકારી તેમજ માર્ગદર્શન પુરું પાડ્યું હતું. ગઢડા તાલુકાના બી.આર.સી રાજદિપસિંહ રાઓલે દેશમાં ચાલી રહેલા વિભિન્ન જાગૃતતા અભિયાનમાં સહયોગ આપવો એ પણ રાષ્ટ્રના વિકાસમાં આપણું યોગદાન હોવાનું જણાવી સૌ કોઈને આવા જાગૃતતા અભિયાનને સફળ બનાવવા તેમાં જાેડાવા માટે અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સંગ્રામ અને સ્વાતંત્ર્ય સેનાનીઓની ઝાંખી કરાવતું ચિત્ર પ્રદર્શન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સાથે જ ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ પ્રશ્નોત્તરી સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. જેના વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં સ્વચ્છ ભારત અભિયાન, પોષણ અભિયાન, કોવિડ૧૯ જાગૃતતા અભિયાન, કોવિડ૧૯ રસીકરણ અભિયાન જેવાં અભિયાનમાં જન જાગૃતતા લાવવના પ્રયાસો કરવામાં આવ્યાં તેમજ સરકારની વિભિન્ન જનકલ્યાણકારી યોજનાઓ અંગે જાણકારી આપી લોકોને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. કાર્યક્રમના સફળ આયોજન માટે સરદાર પટેલ વિદ્યાલયનાં પ્રમુખ,આચાર્ય તેમજ શિક્ષકગણની કામગીરી પ્રશંસનીય રહી હતી.
Recent Comments