ગુજરાત

પોરબંદરની જાણીતી હોસ્ટોલમાં સજાતીય પ્રવૃત્તિ થતી હોવાના વિદ્યાર્થિનીના આક્ષેપ

કન્યાઓના શિક્ષણ માટે રાજ્ય સહિત દેશભરમાં જાણીતી પોરબંદરની આર્ય કન્યા ગુરુકુળ સંસ્થા વિવાદમાં આવી છે. ગુરુકુળ કોલેજમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ અન્ય વિદ્યાર્થીનીઓ પર સજાતીય સંબંધ બનાવવા મજબુર કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો સંસ્થાના સંચાલકો તથા આચાર્ય દ્વારા આક્ષેપોને ખોટા ગણાવી તેઓની સંસ્થાને બદનામ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. પોરબંદરના રાજરત્ન શેઠ નાનજી કાલિદાસ મહેતા દ્વારા દીકરીઓને શિક્ષણ સાથે સંસ્કાર મળી રહે તે માટે અંદાજે ૮૦ વર્ષ પૂર્વે જ્યુબિલી વિસ્તારમાં આર્ય કન્યા ગુરૂકુળની સ્થાપના કરવામાં આવી હતી.

માધ્યમિકથી શરૂ કરીને કોલેજ સુધી માત્ર કન્યાઓ અભ્યાસ કરી શકે અને જે દીકરીઓને ગુરુકુળમાં રહીને અભ્યાસ કરવો હોય તેમના માટે વિશાળ જગ્યામાં ફેલાયેલી આર્ય કન્યા ગુરુકુળ પણ આવેલી છે. દીકરીઓના શિક્ષણ માટે જાણીતી આ સંસ્થામાં અહીં જ અભ્યાસ કરતી અને ગુરુકુળમાં રહેતી વિદ્યાર્થીનીઓ દ્વારા એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અહીં તેમનાથી સિનિયર વિદ્યાર્થીનીઓ દ્વારા અન્ય વિદ્યાર્થીનીઓ સાથે સજાતીય સંબંધો બનાવવા દબાણ કરવામાં આવી રહ્યું છે. તો અહીં ગુરુકુળની બે રેક્ટર પણ આમાં સાથ આપતી હોવાનો આક્ષેપ વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યો છે.

સજાતીય સંબંધ બનાવવા વિદ્યાર્થીનીઓ દ્વારા ચીઠ્ઠીઓ લખવામાં આવતી હોવાનો આક્ષેપ કરી ચિઠ્ઠી પણ વિદ્યાર્થીનીઓ દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ ચિઠ્ઠીમાં લખવામાં આવેલી બીભત્સ લખાણને વાંચીને વિદ્યાર્થીનીઓના વાલીઓ દ્વારા ગુરુકુળ ખાતે જઈને આ અંગે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવેલી આ આક્ષેપને સંસ્થાના મુખ્ય અધિકારી દ્વારા ખોટા ગણાવવામાં આવ્યો હતો.

Related Posts