fbpx
ગુજરાત

વડોદરા નજીક જામ્બુવા બ્રિજ ઉપરથી લોખંડની પાઇપો ભરેલી ટ્રક પલટતા કેબીનમાં આગ લાગી, ઝૂંપડાવાસીઓનો આબાદ બચાવ

વડોદરાના છેવાડે આવેલા જાંબુઆ બ્રિજ ઉપરથી મોડી રાત્રે લોખંડની પાઇપો ભરેલ ટ્રક પલટી ખાઈ ગયો હતો. ટ્રકના કેબિનમાં આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો પહોંચી ગયા હતા. અને ટ્રકના કેબિનમાં લાગેલી આગ બુઝાવી કેબીનમાં ફસાયેલા ટ્રક ચાલક અને ક્લિનરને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ ઘટનામાં બ્રિજ નીચે ઝૂંપડામાં રહેતા પરિવારના બાળકોનો આબાદ બચાવ થયો હતો. મળેલી માહિતી પ્રમાણે મોડી રાત્રે અમદાવાદથી સુરત તરફ એક ટ્રક લોખંડના પાઇપો ભરીને પુરપાટ જઇ રહ્યો હતો.

લોખંડની પાઇપો ભરેલો ટ્રક બ્રિજ ઉપર પહોંચતાની સાથે બ્રિજ નીચે પટકાયો હતો. ટ્રક બ્રિજ નીચે પટકાતાની સાથેજ બ્રિજની નીચે ઝૂંપડા બાંધીને રહેતા બે પરિવારના લોકોમાં દોડધામ મચી ગઇ હતી. જેમાં ટ્રકમાંથી ફંગોળાયેલી પાઇપો ઝૂંપડા તરફ ધસી આવી હતી. સદભાગ્યે કોઇને ઇજા થઇ નથી. મોડી રાત્રે જામ્બુવા બ્રિજ ઉપરથી ધડાકા ભેર લોખંડની પાઇપો ભરેલો ટ્રક પલટી ખાઇને નીચે પડતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. દરમિયાન સ્થાનિક લોકોએ આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરતા મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયર બ્રિગેડના સબ ફાયર ઓફિસર જયદીપસિંહ ગઢવી સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા.

સબ ફાયર ઓફિસર જયદીપસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, બનાવની જાણ થતાં સ્થળ પર પહોંચી ગયા હતા. સ્થળ પર પહોંચ્યા બાદ કેબીનમાં જાેતા કેબિનમાં ડીઝલ અને ઓઇલના કારણે આગ લાગેલી હતી. પ્રથમ આગ ઉપર પાણી મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. તે બાદ કેબિનમાં ફસાયેલા ટ્રક ચાલક સોનુ અને ક્લિનર રજનીશને બહાર કાઢ્યા હતા. ડ્રાઇવર અને ક્લિનરને ઇજા પહોંચી હોઇ, ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટ્રક પલટી ખાતા ટ્રકમાં ભરેલ લોખંડની પાઇપો નજીકના ઝૂંપડાઓ સુધી પહોંચી હતી.

જ્યાં ઝૂંપડવાસીઓના બાળકો હતા. સદભાગ્યે બાળકોને કોઇ ઇજા થઇ નથી. આ બનાવને પગલે ટ્રાફિક વ્યવહારને અસર પહોંચી હતી. ટ્રક ડ્રાઇવર અને ક્લિરને સામાન્ય ઇજા પહોંચી છે. અન્ય કોઇ જાનહાની થઇ નથી. આ ટ્રકમાં ઓવરલોડેડ લોખંડની પાઇપો ભરેલી હોવાથી અને ટ્રક સ્પિડમાં હોવાથી પલટી ખાઇ ગઇ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય છે. દરમિયાન આ બનાવ અંગેની જાણ મકરપુરા પોલીસને થતાં હેડ કોન્સ્ટેબલ અજયભાઇ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા. અને ટ્રાફિક જામ ન થાય તેનું આયોજન કર્યું હતું. તે સાથે આ બનાવ અંગે ટ્રક ચાલક સામે કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Me:

Related Posts