ભાવનગર

ભાવનગરમાં “બોર” પકવતા ખેડૂતોને બજારમાં પૂરતા પ્રમાણમાં ભાવ ન મળતા મુશ્કેલીઓમાં આવ્યા

ભાવનગર જિલ્લામાં આજે અનેક પ્રકારની ખેત ફસલો પોષણક્ષમ ભાવોના અભાવે ખેડૂતો વેચવા મજબૂર બન્યાં છે. હાલમાં ડુંગળીના પુરતા ભાવને લઈને ખેડૂતોએ કાગારોળ મચાવી જ રહ્યાં છે ત્યાં જિલ્લામાં બોરની ખેતી કરતાં બાગાયત ખેડૂતો પણ પુરતા ભાવ ન મળતાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં આજે રોકડીયા પાકોથી લઈને બાગાયત ખેત ફસલોના તળીયે ગયેલા ભાવથી નાસીપાસ થઈ રહ્યાં છે. ભાવનગર જિલ્લામાં દર વર્ષે ડુંગળી, શાકભાજીથી લઈને ચિકુ, જમરૂખ, સિતાફળ, બોર સહિતના ફળફળાદિનું સાનુકૂળ હવામાન તથા પ્રમાણસરના વરસાદને લઈને બંમ્પર ઉત્પાદન થાય છે અને એજ સમયે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ફળફળાદિ પુષ્કળ પ્રમાણમાં વેચાણ માટે બજારોમાં ઢગલાબંધ પ્રમાણમાં ઠાલવાય છે જેને કારણે પુરતી ડિમાન્ડ કે એક્સપર્ટના અભાવે સિઝનમાં બાગાયત પાકના વેચાણને લઈને ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવે છે.

ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં હાલ બોરનું ઉત્પાદન થઈ રહ્યું છે રાજાશાહી કાળથી વલભીપુર તાલુકાના અનેક ગામો સાથે સિહોર તાલુકાના ગામડાઓમાં ખેડૂતો પરંપરાગત રીતે બોરની ખેતી કરે છે હાલમાં દેશી એપ્પલ ચણી તથા કાશી બોરનું ઉત્પાદન થાય છે એક સમય એવો પણ હતો કે, ભાવનગરી બોરનુ વેચાણ પરપ્રાંત જ નહીં પરંતુ દેશ-વિદેશોમાં નિકાસ કરવામાં આવતા હતાં પરંતુ કાલાન્તરે ઉત્પાદનનો અભાવ અને હરિફો વધતા ભાવનગરી બોર વિસરાયા છે. હાલમાં વલભીપુર તાલુકાના ચોગઠ, ચમારડી, ઉમરાળા સહિતના પંથકમાં મબલખ પ્રમાણમાં બોર પાકે છે અને છેલ્લા પાંચ-સાત વર્ષથી આબાલવૃદ્ધને ઘેલું લગાડનાર બોરનુ પણ ઉત્પાદન થઈ રહ્યું છે

આ બાગાયતી ખેત ફસલની સિઝન ત્રણથી ચાર માસ ચાલે છે પરંતુ છેલ્લા વર્ષોથી ખેડૂતો બોરની ખેતી પાછળ લખલૂંટ ખર્ચ કરતાં હોવા છતાં ખેડૂતોને મજૂરીના નાણાં પણ વેચાણ થયે પરીણામ નથી મળી રહ્યાં જેથી દિનપ્રતિદિન ખેડૂતો બાગાયતી ખેતીથી દૂર થઈ રહ્યાં છે. એક ખેડૂતે જણાવ્યું હતું કે, બજારમાં બોર વેચાણ માટે જઈએ ત્યારે ૨૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ થાય છે વેપારીઓ ખેડૂતો પાસેથી મફતના ભાવે બોરની ખરીદી કરી રીટેઈલ માર્કેટમાં અઢળક નફો કમાઈ છે. આ બાબતને લઈને ખેડૂતો રોકડીયા પાક સાથોસાથ બાગાયત ખેત ફસલોના પણ ટેકાના ભાવ જાહેર કરે અને ભાવનગર જિલ્લામાં બાગાયત ખેત ફસલ પર નભતા ખેડૂતોને પ્રોત્સાહન આપે એવી પ્રબળ માંગ કરી રહ્યાં છે.

Related Posts