અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ કે. કે. હાઈસ્કૂલમાં વિદાય સાથે શુભેચ્છાના સમન્વયનો કાર્યક્રમ યોજાયો

આજરોજ કે કે હાઈસ્કૂલના પ્રાર્થના હોલમાં ધોરણ ૧૦/૧૨ વિદ્યાર્થીઓને વિદાય આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. સાથોસાથ વિદ્યાર્થીઓની પ્રગતિ માટે શુભેચ્છા સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. અતિથિ વિશેષ તરીકે કન્યા શાળાના નિવૃત્ત શિક્ષકશ્રી હરિભાઈ બોરીસાગર તેમજ કે કે હાઈસ્કૂલના નિવૃત્ત ચિત્ર શિક્ષકશ્રી બટુકભાઈ ભટકોલીયા ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષક શ્રીજાગૃતભાઈ દવેએ તેમજ શાળાના આચાર્યશ્રીએ પુષ્પગુચ્છ અર્પણ કરી મહેમાનોને આવકાર્યા હતા.

 વિદ્યાર્થીઓ પોતાના શાળાકીય જીવનને યાદ કરી શકે તે માટે તેમને પ્રતિભાવોનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૧૦ માંથી કળથરીયા દર્શન, ગોંડલીયા ધાર્મિક અને ગોંડલીયા ખુશીએ પ્રતિભાવો આપ્યા હતા. આ ઉપરાંત ધોરણ ૧૧ માંથી સોલંકી ભવસુખે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. તેમજ નેન્સીબેને સુંદર ભાવ સાથે વિદાય ગીત રજૂ કર્યું હતું. આ ઉપરાંત ધોરણ ૧૧/ડ ના વિદ્યાર્થીની અંજલીબેન, તનિષાબેન અને ધારાબેને સમૂહમાં અભિનય સાથે વિદાય ગીત રજૂ કર્યું હતું. તેમજ ધોરણ ૧૨ માંથી બોસમીયા મન, મોહિત, પટવા પારસ અને સુહાનાબેને શાળાકીય લાગણી પોતાના પ્રતિભાવોમાં વ્યક્ત કરી હતી.

ઉપરાંત શાળાના શિક્ષિકાશ્રી વર્ષાબેન પટેલે પ્રતિભાવની સાથે વિદ્યાર્થી જીવનમાં અનુશાસનના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમજ અનુશાસનને જીવનમાં સ્થાન આપવાની શીખ આપી હતી. આ ઉપરાંત શાળાના શિક્ષિકાશ્રી ભારતીબેન ચુડાસમાએ પણ પોતાના પ્રતિભાવોની સાથે વિદ્યાર્થી જીવનમાં વિનયનું મૂલ્ય કેળવવા પર ભાર મૂક્યો હતો. તેમજ મહેમાન તરીકે પધારેલ શ્રી બટુકભાઈ ભટકોલીયાએ “કાળની કેડીએ ઘડીક સંગ”કાવ્યપંક્તિ રજૂ કરીને પોતાની ભાવોર્મિઓને વ્યક્ત કરી હતી.

તેમજ અતિથિ વિશેષ તરીકે પધારેલ કન્યાશાળાના નિવૃત્ત શિક્ષકશ્રી હરિભાઈ બોરીસાગરે નિષ્ફળતામાં હતાશ નહીં થવા પર વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો હતો અને કવિ મિન પિયાસીની કાવ્યપંક્તિ દ્વારા માનવતનો સંદેશ પ્રગટ કર્યો હતો. કાર્યક્રમને અંતે શાળાના આચાર્યશ્રી ખડદીયા સાહેબે સમગ્ર કાર્યક્રમની સમીક્ષા કરીને વિદ્યાર્થીઓને માનવીય મૂલ્યો કેળવવાની તાકીદ કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી રફિકભાઈ ભોરણીયાએ કર્યું હતું. શાળાના સ્ટાફ પરિવારમાંથી તૃપ્તિબેન ભરાડ, ધનેશભાઈ પટેલ, પરબતભાઈ કડછા, સાગરભાઇ વાડોદરિયા વગેરે શિક્ષક ભાઈ/બહેનોએ વ્યવસ્થામાં યોગ્ય સહકાર આપ્યો હતો. આ ઉપરાંત ફોટોગ્રાફની કામગીરી શાળાના શિક્ષકશ્રી અજયભાઈ ચાવડા દ્વારા પૂરી પાડવામાં આવી હતી.

તેમજ વિદ્યાર્થીઓના નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા માંજરીયા સાહેબ, સલીમભાઈ, કિશોરભાઈ, મહેશભાઈ, દીલુભાઈ અનેક ક્ષમાબેન દ્વારા પૂરી પાડવામાં આવી હતી. વિદ્યાર્થી ભાઈ/બહેનોએ શાળાના સંસ્મરણોને યાદ કરતા કરતા હળવા મૂડમાં નાસ્તો કર્યો હતો. શાળાના આચાર્યશ્રી ખડદિયાસાહેબના માર્ગદર્શન હેઠળ અને સ્ટાફ પરિવારના યોગ્ય સહકારથી કાર્યક્રમ સફળ રીતે પૂર્ણ થયો હતો.

Follow Me:

Related Posts