ભાવનગર

ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડ થી ૧૨ નવી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા સાંસદ ભારતીબેન શિયાળ

ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડથી ૧૨ નવી બસોને સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

        નવી બસોમાં ૨ સ્લીપર કોચ અને ૧૦ લક્ઝરી કોચ (પુસ બેક ની સુવિધાયુક્ત) નવી બસો ભાવનગર એસ. ટી. બસ સ્ટેન્ડ થી અલગ અલગ રૂટ માટે દોડશે.

        આ તકે ઉપસ્થિત સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યું છે સામાન્યમાં સામાન્ય વ્યક્તિઓને સારામાં સારી સુવિધા મળે તેવો સરકારશ્રીનો અભિગમ રહ્યો છે લોકોને આવાગમનની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થઈ શકે તેમજ આરામદાયક મુસાફરી કરી શકે તે હેતુથી ભાવનગર એસ.ટી. દ્વારા નવી બસોને લીલી ઝંડી આજે આપવામાં આવેલી છે.

        વધુમાં જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા બીએસ-૬ પ્રકારની નવી બસોથી ઓછું પ્રદૂષણ ફેલાશે તેમજ લોકોને સારામાં સારી સુવિધા મળશે. વધુમાં મુસાફરોને પણ બસો સ્વચ્છ રાખવા માટે ટકોર કરી હતી. આગામી માર્ચ મહિના સુધીમાં ભાવનગર ડિવિઝનને વધુ ૩૦ બસોની ફાળવણી કરવામાં આવશે. આમ, ભાવનગર ડિવિઝનને કુલ ૪૨ નવી બસોની ફાળવણી કરવામાં આવશે.     

        આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયર કૃણાલભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી ધીરુભાઈ ધામેલીયા, ભાવનગર એસ. ટી.ના વિભાગીય નિયામક શ્રી સુરેન્દ્રસિંહ માત્રોજા, વિભાગીય પરિવહન અધિકારીશ્રી સોલંકી સાહેબ, વહીવટી અધિકારીશ્રી સતિષભાઈ કુબાવત, યુનિયનના પ્રમુખશ્રી પ્રહલાદસિંહ ગોહિલ, શ્રી જયદેવ સિંહ, અને શ્રી જયુભા જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts