દહેગામના શાળામાં શિક્ષકો મોડા આવતા વિદ્યાર્થીઓની ધમાલ, બેને ઈજા પહોંચતા ગ્રામજનો વીફર્યા, શાળાને તાળાબંધી કરવામાં આવી
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બારડોલી કોઠી ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણાં સમયથી આચાર્ય સહિતના શિક્ષકો મોડા આવતાં હોવાની વ્યાપક બૂમરાણ ઉઠી હતી. આજે પણ લેઈટ લતીફ શિક્ષકો સમયસર નહીં આવતાં વિદ્યાર્થીઓએ શાળા પરિસરમાં ધમાલ મચાવી દીધી હતી. જેનાં કારણે બે વિદ્યાર્થી ઘાયલ થતાં ગ્રામજનો વીફર્યા હતા અને શાળાને તાળાબંધી કરી દેવામાં આવી હતી. દહેગામ તાલુકાના બારડોલી કોઠી ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ – ૧ થી ૮ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે.
શાળામાં સાત શિક્ષકો પૈકીના માત્ર એક જ શિક્ષક નિયમિત સમયે આવતાં હોવાની છેલ્લા ઘણાં સમયથી ગ્રામજનોમાં બૂમરાણ ઉઠી હતી. એટલે સુધી કે ખુદ શાળાના આચાર્ય પણ નિયમિત સમયે આવતાં નહીં હોવાના કારણે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સવાર પડતાં જ પરિસરમાં ધમાલ મસ્તી કરતા રહે છે. શાળાનો સમય ૧૦ થી ૫ નો હોવા છતાં આચાર્ય ઉપરાંત છ શિક્ષકો ૧૧ વાગ્યા પછી જ શાળાએ આવતા વાલીઓના ધ્યાને આવ્યું હતું. શાળાનો સમય ૧૦ઃ૦૦ વાગ્યાનો હોવાથી વિધાર્થીઓ સમયસર શાળાએ પહોંચી જતા હોય છે. પરંતુ શિક્ષકો વિનાની નધણિયાત શાળામાં શિક્ષકો ગેરહાજર રહેતા હોવાથી વિદ્યાર્થીઓ પરિસરમાં કરવાં માંડે છે. આજે પણ સવારે વિધાર્થીઓ સમયસર શાળાએ પહોંચી ગયા હતા.
અને ધમાલ મસ્તી કરવા લાગ્યા હતા. જેનાં કારણે ધોરણ-૭ નાં હાર્દિકસિંહ અને ધોરણ-૬ માં અભ્યાસ કરતી દુર્ગાને માથાના ભાગે ઈજા થતા બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે ગ્રામજનો વીફર્યા હતા અને શાળાને તાળાબંધી કરી દેવાઈ હતી. ગ્રામજનો દ્વારા આ બાબતે શાળાના શિક્ષક અને આચાર્યને રજૂઆત પણ કરવામાં આવી હતી અને સમયસર શાળામાં આવવા માટે વિનંતી કરવામાં આવી હતી. જાેકે, તેમ છતાં શિક્ષકો અનિયમિત રહેતા આજે વાલીઓએ શાળાએ જઇને હોબાળો મચાવ્યો હતો. અને શિક્ષકો તેમજ આચાર્યને આડે હાથ લીધા હતા.
Recent Comments