fbpx
ભાવનગર

સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળના હસ્તે ભાવનગર જિલ્લામાં પીથલપુર ખાતેથી સુજલામ સુફલામ અભિયાનનો પ્રારંભ 

સૌરાષ્ટ્રના પ્રદેશ માટે સુજલામ સુફલામ યોજના આશીર્વાદરૂપ છે : સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ

સરકાર અને લોકભાગીદારીથી ભાવનગર જિલ્લામાં ૬૬૬ થી વધુ જળસંચયના કામો કરવામાં આવશે

તળાવો ઊંડા ઉતારવા, જળાશયોના ડી-શીલ્ટિંગ, રીપેરિંગ સહિતના કામો ૩૧મી મે સુધી કરવામાં આવશે

        સમગ્ર રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાના હેતુસર વરસાદી પાણીના સંગ્રહ માટેના મહત્વના ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો રાજ્યવ્યાપી પ્રારંભ તા.૧૭ ફેબ્રુઆરીથી કરવામાં આવ્યો છે, ત્યારે ભાવનગર જિલ્લામાં પીથલપુર ખાતે સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળના હસ્તે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

        મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરના ખોરજ ગામના તળાવને ઊંડુ કરવાની કામગીરીની શરૂઆત કરાવી જનશક્તિના સહયોગથી જળશક્તિ માટેના ‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-૨૦૨૩’ નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.

        આ તકે ઉપસ્થિત સાંસદ શ્રીમતિ ડો. ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે જલ એ જ જીવન છે ની વિભાવનાથી કામ કરતી રાજ્ય સરકાર છે જળ સંચયના આગોતરા આયોજન માટે ૨૦૧૮ માં સુજલામ સુફલામ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યોજના થકી કામગીરી કરવાથી જમીનના તળ ઉંચા આવે છે ઉંધી રકાબી સમાન સૌરાષ્ટ્રના પ્રદેશ માટે સુજલામ સુફલામ યોજના આશીર્વાદ રૂપ છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ જિલ્લામાં નર્મદાના નીર પહોંચાડીને સુજલામ- સુફલામ યોજના દ્વારા પાણીની સમસ્યાઓનો કાયમી અંત લાવ્યો છે. લોકભાગીદારીથી તળાવો ઉંડા કરવા અને ભૂગર્ભ જળ રિચાર્જ કરવા આજના સમયની માંગ છે.

        જિલ્લા કલેકટરશ્રી ડી. કે. પારેખે જણાવ્યું હતું કે, દિન-પ્રતિદિન પૃથ્વી ઉપર પાણી ઘટતું જાય છે ત્યારે જળ સંચય કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના થકી દરિયામાં વહી જતું પાણી સંગ્રહ કરવા માટેની ખૂબ જ સારી યોજના છે. જળસંચય એ સામૂહિક જવાબદારી છે ત્યારે જળ સંચય માટે પ્રજાએ પણ જાગૃત થવું જરૂરી છે ત્યારે સરકારના આ ઉમદા કાર્યક્રમમાં જનભાગીદારીમાં વધુમાં વધુ લોકો જોડાય તો આ યોજનાનો હેતુ સાર્થક થશે અને ચોમાસાના વધુમાં વધુ પાણીનો સંગ્રહ કરી શકાશે.      

        ભાવનગર જિલ્લામાં “સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩” અંતર્ગત અંદાજિત ૬૬૬ જેટલાં કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે સુજલામ સુફલામ જળ અભિયાન તા.૧૭ ફેબ્રુઆરીથી તા.૩૧મી મે એટલે કે ૧૦૪ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં યોજાવાનું છે.

        આ અભિયાન અન્વયે ર૦ર૩ના વર્ષમાં પણ તળાવો ઊંડા કરવા, ચેકડેમ, જળાશયોના ડી-શીલ્ટિંગના કામો, રીપેરીંગ કામો તેમજ નવા ચેકડેમ, વન તળાવ, ખેત તલાવડી નિર્માણના કામો સહિત નદીઓને પૂનઃજીવિત કરવાના અને નહેરોની, કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવશે.

        આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જીલોવા, પ્રાંત અધિકારીશ્રી હિતેશ જનકાટ, પંચાયત સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી આર. એમ. ભાલીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી પી.કે. રાવત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

Follow Me:

Related Posts