ગાંધીનગરના ઝૂંડાલ ગામની સીમ તપોવન સર્કલથી ત્રાગડ જતાં રોડ પર આવેલા ધ બંચ કાફેનાં પાર્કિંગમાં પાર્ક કરેલી કારના કાચ તોડી તસ્કરો ૪૦ હજાર રોકડા તેમજ જરૂરી દસ્તાવેજાે મળીને કુલ રૂ. ૫૪ હજારની મત્તા ચોરીને સિફતપૂર્વક પલાયન થઈ ગયા હતા. જે અંગે અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ગાંધીનગરમાં જાહેર સ્થળોએ પાર્ક કરેલી કારના કાચ તોડીને તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી નાસી જતાં હોવાની છાસવારે ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતી રહેતી હોય છે. જેનાં પગલે પાટનગર ગાંધીનગરનાં જાહેર સ્થળો પણ અસુરક્ષિત બની ગયા છતાં પોલીસ સબ સલામતનાં દાવા કરી રહી છે.
ગઈકાલે પણ અડાલજ પોલીસ મથકની હદમાં વધુ એક કારના કાચ તોડીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે. અમદાવાદના ચાંદખેડા ખાતે રહેતો કમલ જયસિંહ પરમાર પુણેની એ.બી.કે ઇમપોટ્સ પ્રા લીમીટેડ કંપનીમાં સિનિયર સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે સાડા આઠ વાગ્યાના અરસામાં કમલ તેની કંપનીના સર્વિસ મેનેજર સમીરભાઈ જાેશી સાથે થલતેજ ખાતે આવેલ સ્નેહ પેટ ક્લિનિકથી કંપનીનું કામ પૂરું કરી હોન્ડા અમેઝ ગાડી લઈને સરદાર પટેલ રીંગરોડ ઉપર ત્રાગડ ટોલટેક્ષથી તપોવન સર્કલ વચ્ચે આવેલ ધ બન્ચકાફેમાં જમવા માટે ગયો હતો.
અહીં જમ્યા પછી આવીને જાેતાં ગાડીની ખાલી સાઈડની પાછળના દરવાજાનો કાચ તૂટેલો હતો. આથી કમલે ગાડી ચેક કરતાં બે બેગ ગાયબ હતી. જે બેગમાં કંપની પ્રોડક્ટનાં વેચાણ કરેલા રૂ. ૪૦ હજાર, કંપનીના ડોક્યુમેન્ટ, આઇકાર્ડ, ચુંટણી કાર્ડ. ડાયરી, મોબાઇલ ચાર્જર તથા કપડા, ટુલકીટ તેમજ કુતરા માટેની કાતરનો સેટ મળી કુલ રૂ. ૫૪ હજારની મત્તા રાખેલી હતી. બાદમાં પોલીસને બોલાવીને કાફેના સીસીટીવી ચેક કરતાં ચાર ઈસમો બે એક્ટિવા લઈને આવેલા અને ગાડીની આજુબાજુ શંકાસ્પદ પ્રવૃતિ કરી રહ્યા હતા. જે પૈકીના એક ઈસમે કારના કાચ તોડી બે બેગ એક્ટિવા ઉપર મૂકી બધા રવાના થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments