સૂર્યોદય કેળવણી અને સાંસ્ક્રુતિક ટ્રસ્ટનો માનવીય પ્રયાસ. જિંદગીથી નાસીપાસ યુવાનને ઉગારી લેવાયો
સાવરકુંડલા શિવાજી નગરમાં આવેલ શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન કરતી આ સંસ્થા એટલે શ્રી સૂર્યોદય કેળવણી અને સાંસ્કૃતિક ટ્રસ્ટ. જેના દ્વારા બાલમંદિર, પ્રાથમિક , હાઇસ્કૂલમાં આશરે ૧૫૦૦ બાળકો ક્વોલિટી એજ્યુકેશન મેળવી રહ્યા છે. આ સંસ્થાની નોધનીય બાબત એ છે કે , અહી ફકત શિક્ષણ જ મળે છે એવું નથી. પરંતુ કોઈ પણ સમાજ કે ધર્મ કે જ્ઞાતિના વિધાર્થીઓને પોતાના જીવન દરમિયાન કોઈ આર્થિક કે સામાજિક કટોકટી આવી પડે અને આ સંસ્થાના કર્તા – હર્તા સમાહર્તા પ્રતાપભાઈ ખુમાણ સુધી વાત પહોચેં તો પોતાનાથી બનતા પ્રયત્નો થકી મદદ કરવા તન , મન , ધન થકી હમેશા તૈયાર હોય છે અને એ પણ સામેવાળાનું આત્મસન્માન જાળવીને , હવે હકીકત એવો છે કે, અમરેલી જિલ્લાના ગીર કાંઠાના એક ગામના વતની અને હાલ અમરેલી શહેરમાં વસતા અનુસુચિત જાતિના એક યુવાનને છેલ્લા થોડા વર્ષોથી ચારેબાજુથી અનેક આર્થિક ફટકાઓ લાગ્યા અને ધીમે ધીમે દેણામાં ડૂબવા લાગ્યો .
જેને બાળપણથી પોતાના જિગરજાન મિત્રો ગણતો તે બધા મોઢા ફેરવવા લાગ્યા. સગા સબંધીઓને પોતાની પરિસ્થિતિની જાણ કરી તો ત્યાંથી પણ કોઈ મદદ મળી નહીં. પોતાના મમ્મીના સોનાના દાગીના ઉપર પણ બેન્ક લોન લઈ લીધી. અધૂરાંમાં પૂરું જાણે કુદરત જ કોપાયમાન થયો હોય તેમ પોતાના પિતાને બ્રેઇન સ્ટ્રોક આવ્યો, સરકારી નોકરી ચાલી ગઈ . આ બધામાંથી બહાર નીકળવા કાપડની શોપ ભાડે રાખી ધંધો શરૂ કર્યો. પણ ઈશ્વર જાણે કઠોર બની ગયો હતો. આ બીઝનેસ લાખો રૂપિયા ગુમાવી બંધ કરવો પડયો .
હવે મદદ માટે ચારેતરફ હાવલા મારવા લાગ્યો પણ કયાંયથી આશાનું કિરણ દેખાયું નહિ એને બેન્ક લોનની રિકવરી અને મમ્મીના નામની ગોલ્ડ લોનની રિકવરી અને હાથ ઉછીના લીધેલા પૈસાની ઉધરાણીએ રાતોની ઊંઘ હરામ કરી દીધી . હવે નાસીપાસ થઈ , હતાશ થઈને જીવન ટૂંકાવવાનો વિચાર મનમાં ધૂમવા લાગ્યો . છેલ્લે જેમ મારતો માણસ તરણું પકડે તેમ હિંમત કરીને , પ્રતાપભાઈ ખુમાણને ફોન દ્વારા પોતાની વ્યથા રડતાં રડતાં વર્ણવી અને ખુમાણ સાહેબ તરત જ પરિસ્થિતિ પામી ગયા અને તાત્કાલિક રૂબરૂ બોલાવી, ધરપત આપી અને તમામ મુશ્કેલીનો ધીમે ધીમે અંત આવી જશે તેમ પ્રેમ અને લાગણીથી સમજાવી કાઉન્સિલિંગ કર્યું. અને તાત્કાલિક સહાય રૂપે ટ્રસ્ટના સ્ટુડન્ટ વેલ્ફર ફંડમાંથી રૂ. ૫૦૦૦૦/- રૂપિયા પચાસ હજાર મંજૂર કર્યા. આ રકમનો ચેક અમરેલી જિલ્લા આર. ટી. ઓ. અધિકારીશ્રી આઈ.એસ. ટાંકના હસ્તે જિલ્લા RTO કચેરીમાં જ અર્પણ કરવામાં આવ્યો.
ટ્રસ્ટ જ્યારે જ્યારે આવી સહાય કરે છે ત્યારે જરૂરિયાતમંદ વિધાર્થીની ગોપનીયતા પૂરેપૂરી જાળવે છે . તેના આત્મસન્માન માટે ક્યારેય તેની ઓળખ જાહેર કરવામાં આવતી નથી . જ્યારે આ રકમનો ચેક વણકર સમાજના આ વિધાર્થીના હાથમાં આવ્યો ત્યારે જાણે વર્લ્ડ કપ જીત્યો હોય તેવી ખુશી સાથે આંખમાથી આંસુઓનો દરિયો જાણે વહ્યો .
પ્રતાપભાઈ ખુમાણ જણાવે છે કે , લાખો અને કરોડો રૂપિયાના દાનની સરખામણીમાં આ નાની રકમ થકી એક યુવાનની અમૂલ્ય જિંદગી બચી જતી હોય તો તેનાથી મોટું સેવાનું કામ એક પણ નથી . { ગોપનીયતા જાળવવા વિધાર્થીનું નામ જાહેર કર્યું નથી . ફોટામાં ચહેરો પણ બ્લર કરવામાં આવ્યો છે .
Recent Comments