અમરેલી

સરકારી કચેરીમાં કામ કરતા મહિલા કર્મયોગીઓને કાયદાઓ અંગે માર્ગદર્શન

જિલ્લા મહિલા અને બાળ કચેરી અમરેલી દ્વારા તાજેતરમાં જિલ્લા પંચાયત અમરેલી ખાતે કાયદાકીય બાબતોની માહિતી આપવા માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં કામ કરતી મહિલાઓને કામકાજનાં સ્થળે થતી જાતીય સતામણી સામે જાતીય સતામણી-૨૦૧૩ના કાયદા અન્વયે કાયદાકીય બાબતો વિશે માર્ગદર્શન આપવા સેમિનાર યોજવામાં આવ્યો હતો.

જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રી અમરેલી એસ.આઈ. કણઝરીયા અને એડ્વોકેટશ્રીઓ દ્વારા ઉપરોક્ત સેમિનારમાં હાજર રહેલાં મહિલા કર્મચારીઓને કામકાજનાં સ્થળે જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જાતીય સતામણીના આરોપમાં કોની સામે ફરિયાદ થઈ શકે તથા તેની કાર્યવાહી, પ્રક્રિયા, વળતર અને કાયદાનું અમલીકરણ કેવી રીતે કરી શકાય તેના વિશે વક્તાઓ દ્વારા મહિલા કર્મચારીઓને સમજ આપવામાં આવી હતી.

    મહિલાઓ કામ કરતી હોય તેવા કોઈ પણ સ્થળે દાખલા તરીકે સરકારી અને ખાનગી કચેરીઓ, શાળાઓ, કોલેજ, હોસ્પિટલ વગેરે જગ્યાઓએ મહિલાઓની જાતીય સતામણી થાય તેવા કિસ્સામાં કાયદાકીય રીતે ક્યા પગલાંઓ ભરવા તે વિશે સમજ આપવામાં આવી હતી. મહિલાઓની શારીરિક છેડછાડ કરવામાં આવે અથવા સ્પર્ષ કરવામાં આવે, જાતીય માંગણી કરવામાં આવે, જાતીય શબ્દોનો પ્રયોગ સાંકેતિક કે અસાંકેતિક રીતે વ્યક્ત કરવામાં આવે કે કોઈ પણ પ્રકારનું શારીરિક, શાબ્દિક કે સાંકેતિક વર્તન કરવામાં આવે તેને આ કાયદા હેઠળ જાતીય સતામણી માનવામાં આવે છે. જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલા જાતીય સતામણી કરનાર વિરુધ્ધ આંતરિક ફરિયાદ સમિતિમાં ફરિયાદ નોંધાવી શકે તે સહિતની માહિતી  અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની મહિલાલક્ષી યોજનાઓની માહિતી પણ આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી, તેમ, જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts