ભાવનગર

ભાવનગર જિલ્લાના ધો. ૧૦ ના ૩૯,૭૨૭ વિદ્યાર્થીઓ, ધો. ૧૨ સામાન્ય પ્રવાહના ૨૪૨૯૨ અને વિજ્ઞાન પ્રવાહના ૫૬૪૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

આવતી કાલથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે ભાવનગરના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજયભાઈ વ્યાસે પરીક્ષા વ્યવસ્થા અંગે જણાવ્યું હતું કે, “જિલ્લામાં કુલ ૬૯૬૬૫ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા આપશે. જે પૈકી 10 ના ૩૯૭૨૭ વિદ્યાર્થીઓ, ધો. ૧૨ સામાન્ય પ્રવાહના ૨૪૨૯૨ અને વિજ્ઞાન પ્રવાહના ૫૬૪૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઇ રહ્યાં છે. તમામ  વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા સુચારૂં આયોજન કરવામાં આવ્યું છે.”

 જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ભાવનગર જિલ્લામાં ધોરણ ૧૦ માટે ૨  સંવેદનશીલ અને ૪ અતિ સંવેદનશીલ કેન્દ્ર ખાતે, જ્યારે ધોરણ ૧૨ માં ૨ સંવેદનશીલ અને ૨  અતિ સંવેદનશીલ કેન્દ્રો ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત જિલ્લાના મહત્વપૂર્ણ પરીક્ષા કેન્દ્રો પર વર્ગ 1 અને 2ના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.

ધોરણ ૧૦ ની પરીક્ષા માટે ભાવનગર જિલ્લામાં ૧૩૨ બિલ્ડીંગનાં ૧૩૦૩ બ્લોક ખાતેથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૮૦ બિલ્ડીંગ ખાતેનાં ૭૯૫   બ્લોકમાં જ્યારે વિજ્ઞાન પ્રવાહ માટે ૨૬ બિલ્ડીંગનાં ૨૮૪ બ્લોક ખાતેથી વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. કંટ્રોલરૂમ નંબર 027824266209 ઉપર સવારે 7 કલાકથી રાત્રિના 8 કલાક સુધી સંપર્ક કરી શકાશે.

Related Posts