અમદાવાદમાં રેશનિંગની દુકાન પર યુવક પર દુકાનદારનો હુમલો
શહેરના અમરાઇવાડી વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ બારોબાર સગેવગે કરવાનો વાંધો ઉઠાવનાર એચઆઇવી ગ્રસ્ત યુવકને મારમાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. યુવકને અનાજ નહીં આપતા દુકાનદાર મોડીરાતે અનાજને ટેમ્પામાં ભરી રહ્યો હતો. યુવકે આ મામલે વાંધો ઉઠાવીને વાત કરતા તેના પર હુમલો કર્યો હતો અને બાદમાં જાતિવાચક શબ્દો બોલવાનું શરૂ કરી દીધુ હતું. ગોમતીપુર વિસ્તારમાં રહેતા અને વીસ વર્ષથી એચઆઇવીથી પીડીતા ૪૦ વર્ષિય ભાવેશ (નામ બદલ્યુ છે) નામના યુવકે અમરાઇવાડી પોલીસ સ્ટેસનમાં અજયજીતસિંગ ઠાકુર અને કેતન જૈન વિરૂદ્ધ એટ્રોસીટી એક્ટ હેઠળ મારમારીની ફરિયાદ કરી છે.
ભાવેશ રેશનિંગ કાર્ડ ધારક છે અને તે અમરાઇવાડી વિસ્તારમાં આવેલી સુખરામ નગર પાસેની શશીકલા નામની સરકારી અનાજની દુકાનમાંથી સરકારી અનાજ લાવે છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ ભાવેશ જ્યારે પણ અનાજ લેવા માટે દુકાન પર જાય ત્યારે દુકાનના માલિક અજયજીતસિંગ ઠાકુર તેની સાથે અનાજ આપવા મામલે રકઝક કરે છે. થોડા દિવસ પહેલા ભાવેશ રાતે આંટો મારવા ઘરની બહાર નીકળ્યો હતો. ત્યારે શશીકલા સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ ટેમ્પામાં ભરાતુ હતું.
ભાવેશ તરત જ અજયજીતસિંગ પાસે ગયો અને કહેવા લાગ્યો હતો કે, અમને સમયસર અનાજ આપતા નથી અને અત્યારે આ ટેમ્પોમાં ક્યાથી અનાજ ભરો છો. અજયજીતસિંગ ઠાકુર ઉશ્કેરાઇ ગયા હતા અને ભાવેશને જાતીવાચક શબ્દો બોલીને હુમલો કરી દીધો હતો. દરમિયાનમાં અજયજીતસિંગનો ભત્રીજાે કેતન જૈન આવી ગયો હતો. જ્યાં તેણે પણ ભાવેશને માર્યો હતો.
જેતે સમયે અજયજીસિંગે ભાવેશ વિરૂદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. જેથી તેને જેલમાં મોકલી આપ્યો હતો. ભાવેશ જામીન પરથી છુટીને આવ્યો ત્યારે અજયજીતસિંગ અને તેનો ભત્રીજાે અનેક વખત જાતીવાચક શબ્દો બોલીને અપમાન કરતા હતા. કાકા ભત્રિજાનું અપમાન સહન નહી થતા ભાવેશે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
Recent Comments