બારડોલીમાં અકળામુખી હનુમાનજી મંદિર ખાતે ભક્તોની ભીડ જામી
ભક્તો સંકટ મોચનના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે, ત્યારે અકળામુખી હનુમાનજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. આજ રોજ હનુમાન જયંતિની દેશભરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી, ત્યારે સુરત જિલ્લામાં વિવિધ હનુમાન મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. હનુમાનજીનો આજે જન્મોત્સવ છે. તેથી આજ રોજ હનુમાનજીની ભક્તિ ભાવનાનું અનેરું મહત્વ રહેલું છે. ત્યારે વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં એક માત્ર એવું હનુમાનજીનું મંદિર આવેલું છે કે, જ્યાં અગિયાર મુખવાળા હનુમાનજી સાક્ષાત સ્વયંભૂ બિરાજમાન છે. ગતરોજથી જ હનુમાન જન્મોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી અને દર્શને આવનાર તમામ ભાવિક ભક્તોને અગવડના પડે અને વ્યવસ્થાના ભાગરૂપે સ્વયંસેવકો અને પોલીસ ખડેપગે તૈનાત રહી હતી. બીજી તરફ, વહેલી સવારથી જ દાદાના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને દૂર-દૂરથી ભાવિક ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
માન્યતા પ્રમાણે, કડોદરા ખાતે રહેતો એક માછીમાર કે જેની ગાય દરરોજ એક જગ્યાએ આપમેળે દૂધ આપીને જતી રહેતી, ત્યારે આ દ્રશ્ય જાેઈને માછીમારે તપાસ કરતા સ્વયં ભૂ હનુમાનજી પ્રગટ થયા અને આમ એક બાદ એક દાદાની મૂર્તિઓ પ્રગટ થતી ગઈ, ત્યાર બાદ અગિયાર મુખ થયા ત્યારથી જ અકળામુખી અગિયાર મુખવાળા હનુમાનજી કહેવાય છે. હનુમાન જન્મોત્સવના પાવન પ્રસંગે હનુમાન ચાલીસા તેમજ હનુમાન યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવિક ભક્તોએ યાગનો લાભ લીધો હતો. બીજી તરફ, ૧૦ હજારથી વધુ ભાવિક ભક્તોએ ગુંદી ગાંઠિયાનો મહાપ્રસાદ લઈને દાદા સમક્ષ શીશ ઝૂકાવી પ્રાર્થના કરી દાદાના શણગારનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.
Recent Comments