અમરેલી જિલ્લામાં તા.૯ એપ્રિલને રવિવારના રોજ જુનિયર કલાર્કની પરીક્ષા યોજાશે
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જુનિયર કલાર્ક (વહીવટ – હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે. તા.૯ એપ્રિલ, ૨૩ ને રવિવારના રોજ યોજાનાર આ પરીક્ષા બાબતે અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ જણાવ્યુ હતુ કે, તા.૯ એપ્રિલ, ૨૩ને રવિવારના રોજ બપોરે ૧૨.૩૦ થી ૧.૩૦ વાગ્યા (૧ કલાક) દરમિયાન અમરેલી જિલ્લામાં ૬૪ પરીક્ષા કેન્દ્રો અને ૬૭૫ બ્લોક્સ ખાતે ૨૦,૨૫૦ ઉમેદવારો જુનિયર કલાર્ક (વહીવટ – હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા આપશે. ઉમેદવારોને આ પરીક્ષા સંબંધિત મુશ્કેલી હોય તો તેઓ જિલ્લાની હેલ્પ લાઈન નંબર (૦૨૭૯૨) ૨૨૩૬૧૩ પર સંપર્ક કરી શકે છે. વધુમાં જિલ્લામાં આ પરીક્ષાલક્ષી કામગીરીની દેખરેખ માટે કંટ્રોલ રુમના સંપર્ક નંબર (૦૨૭૯૨) ૨૨૩૨૨૦ કાર્યરત છે. જિલ્લામાં ૩૯૦ મહિલા અને પુરુષ પોલીસ તેમજ ૧,૬૭૦ વહીવટી સહિત ૨,૦૬૦ અધિકારીશ્રી – કર્મચારીશ્રીઓ પરીક્ષાલક્ષી વિવિધ કામગીરી માટે ફરજ બજાવશે.
ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચે તે માટે ગુજરાત રાજ્ય એસ ટી બસ સેવા શરુ રહેશે, વધુ ઉમેદવારો હોય તેવા સ્થળો પર પહોંચવા માટે વધારાની બસ સેવા પણ ગુજરાત રાજ્ય એસ ટી દ્વારા પૂરી પાડવામાં આવશે.
જિલ્લામાં પરીક્ષા દરમિયાન ૧૧ ફલાઈંગ સ્કવોડ રહેશે. પરીક્ષાલક્ષી સાહિત્ય રવાના કરવા માટે જિલ્લાના ૨૨ રુટ પર મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી અને સુપરવાઈઝર ફરજ બજાવશે. સ્ટ્રોંગ રુમ ખાતે રાઉન્ડ ધ કલોક એસ આર પી બંદોબસ્ત રહેશે. વધુમાં ૨૪ કલાક સીસીટીવી કેમેરાથી દેખરેખ રાખવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો ખાતે સીસીટીવી કેમેરાથી દેખરેખ રાખવામાં આવશે.
સમગ્ર પરીક્ષા સંચાલનની જવાબદારી જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા કો-ઓર્ડીનેટર તરીકે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, નિવાસી અધિક કલેક્ટરશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સભ્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. પરીક્ષામાં ગેરરીતિ આચરનાર સામે ગુજરાત પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બદલ) અધિનિયમ – ૨૦૨૩ની કલમ-૧૨ અન્વયે શિક્ષા કરવામાં આવશે.
અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ ઉમેદવારોને ધ્યાને રાખવાની બાબતો વિશે કહ્યુ કે, જુનિયર કલાર્ક પરીક્ષા એ બપોરે ૧૨.૩૦ થી ૧.૩૦ વાગ્યા દરમિયાન એક કલાકની રહેશે, જેમાં ઉમેદવારો ઈલેક્ટ્રોનિક સાધનો લઇ જઇ શકશે નહિ, તેઓ સાદી ઘડિયાળ લઈ જઈ શકશે. પરીક્ષા દરમિયાન ઉમેદવારો જે-તે વર્ગખંડ છોડી જઇ શકશે નહિ. ઉમેદવારોએ તેમના ઓળખ કાર્ડ, પરીક્ષા માટેની રિસિપ્ટ, બોલપેન સાથે લઈ જઈ શકશે. પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધા પરીક્ષા કેન્દ્રો પર રહેશે.
આ પ્રેસ કોન્ફરન્સમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વાળા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ભંડેરી, પંચાયતના કર્મચારીશ્રીઓ અને પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments