કુંડલા સ્ટેટ,ખુમાણ પરિવાર દ્વારા,સનરાઈઝ સ્કૂલની મુલાકાતે પધારેલા,સનરાઈઝ સ્કૂલની મુલાકાતે પધારેલા,પદ્મશ્રી હેમંત ચૌહાણને કાઠી સાફો પહેરાવી સન્માન અપાયું
સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે, ત્યાં ત્યાં ગુંજતો અવાજ એટલે આપણા કાઠિયાવાડનો એક ગરવો ગાયક એટલે હેમંત ચૌહાણ. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધુ ભજન ગાવાનો એક માત્ર રેકોર્ડ જેનાં નામે છે, એવો ગુરુમુખી વાણીનો ગાયક એટલે હેમંત ચૌહાણ. એકદમ સરળ,નિર્વ્યસની,નિરાભિમાની, મૃદુભાષી અને હાર્મોનિયમને આંગળીના ટેરવે રમાડે ત્યારે તો સાંભળનારના રોમ રોમમાં એક અનોખી ચેતનાંનો સંચાર થાય. આવા મખમલી ગળાનાં માલીક ઉપર કેન્દ્ર સરકારની નજર પડી અને જાણે પદ્મશ્રી એવોર્ડે પોતે પોતાના માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી.
હવે તેઓ પદ્મશ્રી હેમંત ચૌહાણ તરીકે ઓળખાશે. પદ્મશ્રી હેમંત ચૌહાણે સાવરકુંડલા સનરાઈઝ સ્કૂલની મુલાકાત લીધી હતી અને કુંડલા સ્ટેટ ખુમાણ પરિવારનાં ટ્રસ્ટ દ્વારા થતી તમામ સેવાકીય પ્રવૃતિઓ જાણી ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. અને જ્યારે તેમને જાણવા મળ્યું કે, આ પરિવાર કુંડલા મૂળ ગિરાસદાર છે અને જોગીદાસબાપુ ખુમાણની પરંપરાનાં કાઠી દરબાર છે ત્યારે તેમને વિશેષ આનંદ થયો. ખુમાણ પરિવાર વતી પ્રતાપભાઇ,હનુભાઈ, જોરુભા બાપુ, પ્રદ્યુમ્નસિંહ, મહાવીરસિંહ, ભગીરથસિંહ, ભૂપેન્દ્રસિંહ, કર્મવીરસિંહ, યુગવીરસિંહ, પુષ્પાલસિંહ સહિત ક્ષત્રિયો હાજર રહી, પદ્મશ્રી હેમંત ચૌહાણને કાઠી દરબારોમાં જે સર્વોચ્ચ સન્માન ગણવામાં આવે છે, જેમાં કાઠી દરબારો રજવાડી સાફો પહેરાવી, તલવાર ભેટ આપે છે, આ જ પ્રકારે પરંપરાથી સન્માનવામાં આવ્યા. આ પ્રસંગે હેમંત ચૌહાણે પોતાનાં જીવનના સંઘર્ષની અજાણી વાતો વાગોળી હતી. માત્ર પાંચ વર્ષની ઉંમરે ભજન ગાવાની શરૂઆત કરી.દાદા,પિતા,કાકા પણ પ્રાચીન ભજનો ગાતા. મૂળ જસદણ તાલુકાનાં કુંઢણી ગામનાં વતની અને ધો.૧ થી ધો.૭ તો ફકત ફકત ભજન ગાઈને પાસ થઈ ગયા..!! હાઈસ્કૂલ શિક્ષણ ત્રંબા ( કસ્તુરબા ધામ) લીધું, ત્યારબાદ વિરાણી કોલેજ રાજકોટમાં બી.એ.વિથ ઇકોનોમિકસ થયા પછી આર.ટી.ઓ.માં ૧૧ વરસ રું ૫૦૦/- માં નોકરી કરી.સાથે સાથે ભજનોનાં પ્રોગ્રામ પણ મળવા લાગ્યા. ઘેડ પંથકમાં સૌથી વધુ પ્રોગ્રામ કર્યા.
પહેલો પુરસ્કાર રું ૫૦/- મળ્યો હતો..! અને પેટી ઉપર રું ૭૫/- !! આ અગાઉ રાજ્ય સરકાર તરફથી ગૌરવ પુરસ્કાર, રાષ્ટ્રપતિનાં હસ્તે દિલ્હી એકેડેમિક રત્ન એવોર્ડ, સૌથી વધુ ભક્તિ ગીતો ગાવા બદલ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનાં અધિકારીઓ શિકાગો યુ.એસ.એ.થી રાજકોટ આવી હેમંત ચૌહાણને સન્માનિત કર્યા તે સમયે તેમણે ૮૨૦૦ ભક્તિ ગીતો સ્ટુડિયો રેકોર્ડિંગ કરી પ્રસિદ્ધ કર્યા હતા. અત્યારે તો આ આંકડો ૯૦૦૦ ઉપર પહોંચી ગયો છે. પંખીડા ઓ પંખીડા અને નદી કિનારે નારિયેળી.. આ બે રચનાઓ એ તો હેમંત ચૌહાણને વિશ્વ ગુજરાતી ફલક ઉપર પ્રસ્થાપિત કરી દીધા હતા. કબીર સાહેબ, ધર્મદાસ, ભાણસાહેબ, રવી સાહેબ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ, મોરાર સાહેબ, ગંગાસતીની વાણીને જો સામાન્ય જન સુધી પહોંચાડી હોય તો તેનો એકમાત્ર યશ હેમંત ચૌહાણને મળે.૧૯૫૬માં ગુરુ બ્રાહ્મણ સમાજમાં જન્મેલા અને ૧૯૬૧થી આ યાત્રા શરૂ થઈને હજી ૬૭ વરસે પણ બમણાં જુસ્સાથી આગળ વધી રહી છે. બે સંતાનો જેમાં એક દીકરો મયુર પણ જેમ મોરનાં ઇંડાને ચીતરવા ન પડે એમ એ પણ ગઝલની દુનિયામાં પોતાનું નામ જમાવી રહ્યો છે. દીકરી ગીતા રાજકોટ હાઈસ્કૂલમાં શિક્ષિકા છે , હોમ સાયન્સ ભણાવે છે અને સાથોસાથ ભજનો પણ ગાય છે પરંતુ તમે જો તેમને ગાતા સાંભળો તો તમને એમ થાય કે હેમંત ચૌહાણ ગાય છે, એટલો બધો મેચિંગ અવાજ. ગીતાબેન રેડિયો આર્ટિસ્ટ છે. લોક ગીત,ભજનો,ગરબામાં ક્યાંય પણ છેડછાડ કર્યા વગર શુદ્ધ અને સાત્વિક વાણી પીરસનાર પદ્મશ્રી હેમંત ચૌહાણનાં તમામ જિલ્લાઓમાં સન્માન સમારોહ યોજવાના આયોજન થઈ રહ્યા છે, આગામી તા ૩૦ એપ્રિલે, રાજકોટ હેમુ ગઢવી હોલમાં પૂ મોરારીબાપુની ઉપસ્થિતિમાં પદ્મશ્રી હેમંત ચૌહાણનું જાહેર સન્માન કરવામાં આવશે.
.
Recent Comments