fbpx
અમરેલી

સાવરકુંડલા મહુવા રોડથી વ્યાયામ મંદિર રોડ તરફ જતાં વળાંક વચ્ચે જ એ ટ્રાફિકને નડતર રૂપ અડીખમ વીજપોલ અંતે આજે દૂર થયો

સાવરકુંડલા મહુવા હાઈવે પર વ્યાયામ મંદિર તરફ વળાંક પર આવેલા અને  અડચણ રૂપ એ અડીખમ ઈલેકટ્રીક પોલ  આખરે આજે દૂર થયો. સાવરકુંડલા શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી મહુવા રોડથી વ્યાયામ મંદિર તરફના વળાંક પર  રસ્તાની વચ્ચોવચ્ચ  અડીખમ ઊભેલો ઈલેકટ્રીક પોલ આજે જીઈબી  તથા નગરપાલિકાના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે દૂર કરવામાં આવ્યો. આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી આ ઈલેકટ્રીક પોલ ટ્રાફિકને ભારે અડચણરૂપ હોય આ બાબત સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાને ધ્યાને આવતાં આ સંદર્ભે જીઈબી અને સાવરકુંડલા નગરપાલિકા સાથે યોગ્ય પરામર્શ કરી અને આખરે આ ઈલેકટ્રીક પોલને દૂર કરવામાં આવેલ. જો કે શહેરના ટ્રાફિક વચ્ચે પણ ધોળે દિવસે આ પોલને હટાવવાની કામગીરી ખરેખર પડકારજનક હતી. વળી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ખુલ્લા આકાશમાં કામ કરવું એ પણ મુશ્કેલ તો ચોક્કસ ગણાય. પરંતુ તંત્ર ધારે તો  તેની કાર્યનિષ્ઠા દ્વારા મુશ્કેલ કામ પણ કરી શકે છે  એ વાત પણ અહીં નોંધવી રહી.  આ થાંભલો દૂર થતાં વધેલો કચરો માટીના ઢગલાને પણ નગરપાલિકા દ્વારા તુરંત દૂર કરાવવા માટે કાળા તડકે કામગીરી કરી આ રસ્તાને સાફ કરાવાતાં ત્યાંથી પસાર થતા વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો હતો. *જો કે આ વળાંક પાસે રસ્તાનું થોડું સમારકામ થાય તો સોનામાં સુગંધ ભળે.*  તંત્ર ધારે અને યોગ્ય સંકલન હોય તો લોકોને પીડતાં પ્રશ્ર્નોનું નિરાકરણ પણ વહેલી તકે આવી શકે છે. આ ઉપરાંત સાવરકુંડલા મહુવા રોડ પર પંડિત દીનદયાળ ઉપવન પાસે આવેલ ટ્રાન્સફોર્મરને પણ ટૂંક સમયમાં ત્યાંથી હટાવી અને ત્યાં જાહેર પાર્કીંગ માટે વ્યવસ્થા કરવામાં આવવાનું પણ આયોજન છે એવું સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણીએ જણાવ્યું હતું. સુચારું સંચાલન માટે પણ એક સ્પષ્ટ વિઝન જોઈએ અને સાવરકુંડલા નગરપાલિકા હવે એ સંદર્ભે ખૂબ સાબદી થઈ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા પણ શહેરના  સ્થાનિક સમસ્યાને ઉકેલવા માટે સતત પ્રયત્નશીલ રહે છે એ વાત પણ આવી ઘટનાઓ દ્વારા સ્પષ્ટ થાય છે.

Follow Me:

Related Posts