અમૃતપાલ સિંહની પંજાબના મોગામાંથી કરાઈ ધરપકડ
ચંદીગઢઃ લાંબા સમયથી ફરાર ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહને આજે પકડી લેવામાં આવ્યો છે. અમૃતપાલની પંજાબના મોગા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. અમૃતપાલ પર એનએએ લગાવીને તેને આસામના દિબ્રુગઢની જેલમાં લઈ જવાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. પોલીસના જાપતામાં આવતા પહેલા અમૃતપાલ ફરાર થઈ ગયો હતો અને તે પછી તેની મોટાપાયે શોધખોળ કરવામાં આવી હતી. આ પહેલા તેની પત્નીને યુકે જતા રોકવામાં આવી હતી. સૂત્રો દ્વારા જાણવા મળતી વિગતો પ્રમાણે મોગા જિલ્લાના રોડે ગામમાંથી અમૃતપાલે સરેન્ડર કર્યા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ‘વારિસ પંજાબ દે’ના પ્રમુખ અને ભાગેડુંને આજે પકડી લેવામાં આવ્યો છે.
૧૮ માર્ચના રોજ અમૃતપાલ જલંધરમાં પોલીસે દરોડા પાડ્યા ત્યારે ભાગવામાં સફળ રહ્યો હતો. આ પછી તેને પકડી પાડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તે પોતાનો વેશ અને વાહનો બદલીને પોલીસના હાથમાં આવતા બચવામાં સફળ થયો હતો. અમૃતપાલ સિંહ અને તેના સાગરિતો સામે ઘણા ગુનાહિત કેસ નોંધાયા છે. તેઓ વિવિધ વર્ગો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કામ કરતા હતા, આ સિવાય તેમના પર હત્યા, પોલીસકર્મી પર હુમલો અને સરકારી વહીવટીતંત્રની કામગીરી અને કર્મચારીઓની કામગીરીમાં અડચણરૂપ બનવા સહિતના ગુના નોંધાયેલા છે. મહત્વનું છે કે ૨૦મી એપ્રિલના રોજ અમૃતપાલની સિંહની પત્ની કિરણદીપ કૌરને યુકે જતા રોકવામાં આવી હતી. અમૃતસર ગ્રામ્ય જીજીઁ સતિન્દર સિંહે જણાવ્યું હતું કે કિરણદીપ કૌરની અટકાત કે ધરપકડ કરવામાં નહોતી આવી. તેમણે જણાવ્યું હતું કે, “અમૃતપાલ સિંહના કેસમાં પૂછપરછ કરવા માટે પત્ની કિરણદીપને અટકાવવામાં આવ્યા હતા.” તાજેતરમાં અમૃતપાલની પત્ની કિરણદીપે ધ વીકને આપેલા ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, તે અમૃતપાલ સિંહ વિશે કશું જાણતી નથી, તેને ખબર નથી કે તેનો પતિ ક્યાં છે. આ સિવાય તેણે અમૃતપાલ સિંહના ‘ગેરકાયદેસર’ કૃત્યનો બચાવ કર્યો કે જેના માટે પોલીસ તેની તપાસ કરી રહી હતી.
Recent Comments