અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ, જાણો આગામી ૫ દિવસે કેવું રહેશે હવામાન
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી ૫ દિવસ વાતાવરણ સૂકું રહેશે. આજે સુરત, પોરબંદર, જૂનાગઢમાં સીવિયર હિટવેવની આગાહી છે, જ્યારે ગીર સોમનાથ, ભાવનગર હિટવેવની આગાહી છે. અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ૨૪ કલાક બાદ ૧ ડિગ્રી તાપમાન ઘટશે. પવનની દિશા બદલાવાના કારણે તાપમાનમાં ઘટાડો થશે. વડોદરા શહેરનું તાપમાન ૪૧ – ૪૨ ડીગ્રી પર પહોંચ્યું છે, જે ૪૩.૮ સુધી પહોંચવાની શક્યતા છે. ગઈકાલે રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન વડોદરામાં ૪૩.૮ ડીગ્રી નોંધાયું હતું. ભારતમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ‘મોચા’ વાવાઝોડાનો સંકટ સક્રિય થતો જાેવા મળે છે. હવામન વિભાગ અનુસાર, આજે આ વાવાઝોડું તોફાનની સ્થિતિમાં ફેરવાઈ શકે છે. પરિણામે ૧૩૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અને તે બાંગ્લાદેશ-મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે.
ગુજરાતના મોટાભાગના ભાગોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તી રહી હતી અને રાજ્યના ઉત્તરીય પ્રદેશમાં પાટણ ગઈકાલે મહત્તમ તાપમાન ૪૫.૪ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ હતું. આ અંગે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, ૧૩ મે પછી લોકોને ગરમીથી થોડી રાહત મળે તેવી શક્યતા છે. સાથે જ ‘મોચા’ વાવાઝોડાના ભણકારા વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છના થોડા ભાગોમાં ભારે લૂ પડી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં આ વાવાઝોડાની અસર જાેવા મળશે અને ત્યાં ભારે પવન સાથે ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. અનુમાન છે કે, દક્ષિણપૂર્વ બંગાળમાં ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ થઈ શકે છે.
Recent Comments