ઈન્ડસ્ટ્રીનું પોલિટિક્સ ગંદુ છે, સુશાંત સમજી શક્યો નહીં ઃ મનોજ બાજપેયી
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દમદાર એક્ટર્સમાં ટોચનું સ્થાન ધરાવનારા મનોજ બાજપેયીને ફિલ્મો કરતાં વધારે સફળતા ઓટીટી પ્લેટફોર્મ પર મળી છે. વેબ સિરીઝ ફેમિલી મેનની સફળતા બાદ મનોજની ફિલ્મ ‘ર્સિફ એક બંદા કાફી હૈ’ ૨૩ મેના રોજ રિલીઝ થઈ રહી છે. બે દાયકા કરતાં વધુ સમયથી બોલિવૂડમાં હોવાના કારણે મનોજ બાજપેયી ઈન્ડસ્ટ્રીને સારી રીતે સમજી ચૂક્યા છે. કદાચ એટલે જ, મનોજ બાજપેયી વારંવાર પોતાને સ્ટાર નહીં, પરંતુ એક્ટર તરીકે ઓળખાવે છે. મનોજે સ્વીકાર્યું હતું કે, ઈન્ડસ્ટ્રીનું પોલિટિક્સ ઘણું ગંદું છે અને સુશાંત સિંહ રાજપૂત આ પોલિટિક્સને સમજી શક્યો ન હતો. ઓટીટી પ્લેટફોર્મ પર આજે રિલીઝ થઈ રહેલી ‘ર્સિફ એક બંદા કાફી હૈ’માં મનોજ બાજપેયીએ બળાત્કાર પીડિતાના વકીલનો રોલ કર્યો છે, જે સંત તરીકે ઓળખાતા વગદારને ગુનેગાર ઠેરવવા માટે લાંબો સંઘર્ષ કરે છે. ફિલ્મના પ્રમોશનની વચ્ચે મનોજ બાજપેયીએ સુશાંત સિંહ રાજપૂતને યાદ કર્યો હતો અને ઈન્ડસ્ટ્રીમાં ચાલતા નીપોટિઝમની વાત કરી હતી. આજ તક સાથે વાત કરતાં નીપોટિઝમ બાબતે મનોજે કહ્યું હતું કે, હું જે પ્રકારની ફિલ્મો કરું છું, તેને સ્ટાર કિડ્સ ક્યારેય કરવાના નથી અને તેથી જ નીપોટિઝમની અસર ક્યારેય થઈ નથી.
હું જે પ્રકારની ફિલ્મો કરું છું, તેને નવાઝ અથવા કે કે મેનન જ કરશે. ઈરફાન હયાત હોત તો તે એવી ફિલ્મો કરત. આ કમર્શિયલ ફિલ્મો નથી, તેથી તેના પર પૈસા લગાવવા ભાગ્યે જ કોઈ તૈયાર થાય છે. દર વખતે નીપોટિઝમને જવાબદાર ઠેરવી શકાય નહીં. શક્તિ વેડફવાનો કોઈ મતલબ નથી. જાે તમે સારા એક્ટર છો તો નાટકો કરો, શેરી નાટકો કરીને પણ આવક મેળવી શકાય છે. ઈન્ડસ્ટ્રીના પ્રોમિસિંગ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતનું ૧૪ જૂન ૨૦૨૦ના રોજ ઓચિંતું નિધન થયું હતું. આ ઘટના બાદ બોલિવૂડમાં નીપોટિઝમનો વિવાદ છવાયો હતો. મનોજ બાજપેયી અને સુશાંત સિંહે સોનચિરિયા ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. મનોજે કહ્યું હતું કે, અમે સારા મિત્રો બની ગયા હતા અને તેના માટે ખૂબ પ્રેમ હતો. સેટ પર હું ઘણી વાર મટન બનાવતો અને સુશાંત તેને ખાવા માટે આવતો હતો. સુશાંત આવું પગલું ભરશે તે ક્યારેય વિચાર્યું ન હતું, પરંતુ તેણે પોતાની સામેના પડકારો વિશે મારી સાથે વાત કરી હતી. સુશાંત સિંહ માટે ઈન્ડસ્ટ્રીના પોલિટિક્સને હેન્ડલ કરવાનું અઘરું હતું.
મનોજના મતે ઈન્ડસ્ટ્રીમાં પોલિટિક્સ હંમેશા હોય છે. પણ જ્યારે સફળતાની સીડીઓ ચડવા માંડો ત્યારે તે વધારે ગંદુ બને છે. મને ક્યારેય તકલીફ પડી ન હતી, કારણ કે હું મજબૂત અને જાડી ચામડીનો હતો. તે પ્રેશરને સહન કરી શક્યો નહીં. પોતાની ચિંતા, ભય અને વિપરિત અસર કરનારી બાબતો અંગે સુશાંતે ચર્ચા કરી હતી. સુશાંત સિંહ નીપોટિઝમનો શિકાર બન્યો હતો કે કેમ તે સવાલના જવાબમાં મનોજ બાજપેયીએ કહ્યું હતું કે, જાે તમારે મનોજ બાજપેયી બનવું હોય તો કોઈ પોલિટિક્સ નથી. પણ, સુશાંતને સ્ટાર બનવું હતું અને ત્યાં તગડી કોમ્પિટિશન હતી. સ્ટાર બનવા માગતી દરેક વ્યક્તિ તે જગ્યાએ પગ જમાવવાના શક્ય તમામ પ્રયાસ કરશે. સુશાંતનો આત્મા શુદ્ધ હતો અને તે અંદરથી સાવ બાળક જેવો હતો તેવું મને અનુભવાયુ હતું. કાવાદાવાને તે સમજી શક્યો નહીં. ઉલ્લેખનીય છે કે, સુશાંતના નિધન બાદ તેની છેલ્લી ફિલ્મ દિલ બેચારા રિલીઝ થઈ હતી, જેમાં સંજના સાંઘી લીડ રોલમાં હતી.
Recent Comments