અમરેલીમાં તમાકુ નિષેધ જનજાગૃતિ કાર્યક્રમો સંપન્ન, મે માસમાં રૂ.૫૭,૭૦૦ દંડ વસૂલવામાં આવ્યો
સમગ્ર વિશ્વમાં ૩૧ મી મે ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે ‘વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)’ દ્વારા થીમ નક્કી કરવામાં આવે છે. આ વર્ષે WNTD થીમ “WE NEED FOOD, NOT TOBACCO’ (અમને ખોરાકની જરુર છે, તમાકુની નહીં) આ થીમ પર સમગ્ર વિશ્વમાં તમાકુ વિરોધી ઝુંબેશોને વેગ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે અમરેલી જિલ્લામાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તાલુકા કક્ષાએ તમાકુ નિષેધ રેલી, પોસ્ટર પ્રદર્શન, તમાકુ નિષેધ શિબીર/એફ.જી.ડી., તમાકુ નિષેધ સંકલ્પ કાર્યક્રમ,તેમજ સોશિયલ મીડિયા માધ્યમોનાં ઉપયોગથી જનજાગૃત્તિ કાર્યક્રમો યોજવામાં આવ્યા.
ચાલુ મે માસ દરમિયાન અમરેલી જિલ્લામાં સામાજિક વ્યસનમુક્તિ જનજાગૃત્તિ અને વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી માટે કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ની વિવિધ કલમોનાં ભંગ બદલ કુલ ૩૯૩ કેસ કરી કસુરવારો પાસેથી રૂ.૫૭,૭૦૦નો દંડ વસૂલવામાં આવ્યો. સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત કેમ્પસમાં વિવિધ શાખાઓનાં અધિકારીશ્રી/કર્મચારી દ્વારા તમાકુ નિષેધ સંકલ્પ શપથ લેવામાં આવ્યાં. આ ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અમરેલી દ્વારા જાહેર જનતાને તમાકુની બનાવટોનાં વ્યસનથી મુક્ત થવા ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૧૧૨ ૩૫૬ નો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી, તેમ નોડલ અધિકારીશ્રી ટોબેકો કંટ્રોલ-વ-મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments