અમરેલી

અમરેલી જિલ્લામાં તાઉ’તે વાવાઝોડા બાદ વૃક્ષોનું રિસ્ટોરેશન અભિયાન તેજ ગતિથી આગળ વધ્યું

“The Earth has enough resources for our need but not for our greed.” આ વાત મહાત્મા ગાંધીજીએ વર્ષો પહેલા કરી હતી. આપણે સૌ આજે એકવીસમી સદીના ત્રીજા દશકમાં જીવી રહ્યા છીએ. તમામ દેશો આજે વિકાસની તેજ દોડ લગાવી રહ્યા છે. સૌએ વિકાસના વિચારની સાથે સાથે પર્યાવરણ સંરક્ષણનો વિચાર પણ કરવો અનિવાર્ય બની ચૂક્યો છે. પર્યાવરણને બચાવવું એ સૌની નૈતિક જવાબદારી પણ ખરી. રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીના મતે પૃથ્વીનું સંરક્ષણ દરેક માનવીએ જાતે જ કરવું પડશે. આવનારી પેઢીઓને સુંદર પૃથ્વીની ભેટ આપવી એ સૌ કોઈનું સહિયારું ઉત્તરદાયિત્વ છે. દર વર્ષે યુનાઈટેડ નેશન્સ દ્વારા તા.૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રથા વર્ષ ૧૯૭૩માં શરુ કરવામાં આવી હતી. વર્ષ ૧૯૭૨ના સ્ટોકહોમ સંમેલનમાં પર્યાવરણના સંરક્ષણનો વિચાર વહેતો થયો અને ત્યારબાદ દર વર્ષે આ દિનની ઉજવણી એક વિશિષ્ટ થીમ સાથે કરવામાં આવી રહી છે, જેનો હેતુ લોકોને પર્યાવરણ પ્રતિ જાગૃત્ત બનાવવાનો અને પૃથ્વીને તમામ પ્રકારના પ્રદૂષણોથી મુક્ત કરવાનો છે.

        વર્ષ ૨૦૨૩માં પર્યાવરણ દિવસની થીમ #BeatPlasticPollution છે. ભારત સહિત વિશ્વના તમામ દેશો આજે પ્લાસ્ટિકને ભવિષ્યના એક ખતરા સ્વરૂપે જોઈ રહ્યા છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ વિરુદ્ધ લડાઈ લડી શરુ કરી છે. પ્લાસ્ટિક ઉપયોગના કારણે જમીન પર જ નહીં દરિયામાં પણ પ્રદૂષણ વધી રહ્યું છે. દરિયાની જીવસૃષ્ટિ પર પણ ખતરો છે. આજે પ્લાસ્ટિક પ્રદૂષણ વિરુદ્ધની લડાઈમાં વિશ્વના તમામ દેશોએ તેના ઉપયોગ પર કાયમી પ્રતિબંધ મુકી પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપવું અનિવાર્ય બની ચૂક્યું છે. વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ વિરુદ્ધની લડાઈ માટે વારાણસી આસપાસના ૭૦૦ જેટલા ગામના સરપંચોને સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ માટે પત્રો લખ્યા હતા અને ભારતની આ લડાઈ સતત આગળ વધી રહી છે.  

       અમરેલી જિલ્લામાં તાઉ’તે વાવાઝોડા બાદ વૃક્ષોનું રિસ્ટોરેશન અભિયાન તેજ ગતિથી આગળ વધ્યુ છે. અહીં ગીર જંગલ વિસ્તારનો ઘણો ખરો ભાગ આવેલ છે. વર્ષ ૨૦૧૬-૧૭માં જિલ્લાનું ફોરેસ્ટ કવર અંદાજે ૨૫૧ ચો.કિમીનું હતું જે સતત વધીને વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૬૫ ચો.કિમી થયું છે. જિલ્લામાં વૃક્ષારોપણ થઈ રહ્યું છે અને લોકોમાં પર્યાવરણ સંરક્ષણ પ્રતિ જાગૃતત્તા વધી રહી છે. અમરેલી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષમાં વ્યાપક પ્રમાણમાં વૃક્ષારોપણ થયું છે. વર્ષ ૨૦૨૧-૨૨માં કુલ ૨,૭૫,૬૬૬ અને વર્ષ ૨૦૨૨-૨૩માં ૪,૦૫,૦૮૮ વૃક્ષોનું વાવેતર થયું છે. આમ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૬,૮૦,૭૫૪ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

        આજે વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ (વૈશ્વિક જળવાયુ પરિવર્તન) સતત વધી રહ્યું છે ત્યારે ભારત પર્યાવરણ સંરક્ષણને લઈ પોતાની જવાબદારી પ્રતિબદ્ધત્તા સાથે નિભાવી રહ્યું છે. ગ્લાસ્ગો ખાતે વર્ષ ૨૦૨૧માં સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સમ્મેલન (COP-૨૬)માં સમગ્ર વિશ્વને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘Lifestyle for The Environment’ એટલે કે, #LiFEનો મંત્ર આપીને તમામ દેશોને પર્યાવરણ બચાવવા અને વિશ્વના કલ્યાણ માટે આગળ આવવા આહ્વાન કર્યું હતુ. ભારતે સ્વચ્છ ભારત મિશન, ક્લીન-ગ્રીન ઉર્જાને પ્રોત્સાહન, ઉજાલા અને ઉજ્જવલા યોજના, કુસુમ યોજના થકી પર્યાવરણ સંરક્ષણમાં પોતાનું યોગદાન આપ્યું છે. ગુજરાતમાં સોલાર ઉર્જાને સતત પ્રોત્સાહન મળી રહ્યું છે જેમાં અમરેલી જિલ્લાના અનેક ખેડૂતોએ પોતાની ખેતીની જમીનમાં પણ સોલાર ઉર્જાને પ્રોત્સાહન આપ્યું છે. ચાલો આપણે સૌ સાથે મળી આપણી નૈતિક જવાબદારી નિભાવીએ અને આપણા સૌની સહિયારી પૃથ્વી, પર્યાવરણનું રક્ષણ કરીએ ઉપરાંત વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને પર્યાવરણના રક્ષક બનીએ.

Related Posts