fbpx
અમરેલી

સાવરકુંડલાનું રતન દેવીબેન પટ્ટણી (સૌરાષ્ટ્રની સિંહણ)

 દેવીબેન પટ્ટણીનો જન્મ સાવરકુંડલામાં થયો હતો. તેમને બાળપણથી જ માતા-પિતા પાસેથી ઉચ્ચ સંસ્કારોનું સિંચન થયું હતું. દેવીબેનના પિતા પ્રભુલાલ પટ્ટણી સ્વાતંત્ર્યની લડતમાં જોડાયા હતા જેથી ઘરનું વાતાવરણને રાષ્ટ્રીય રંગે રંગાયું હતું. તેણીએ પ્રાથમિક શિક્ષણ સાવરકુંડલામાંથી પૂર્ણ કર્યું હતું. 

ઈ.સ. ૧૯૩૦માં ધોલેરાના મીઠા સત્યાગ્રહમાં જોડાયા હતા. સત્યાગ્રહ શરૂ થયો ત્યારે લોકોમાં ઉત્સાહ જબરો હતો પણ સમય વિતતાં લોકોમાં ઉત્સાહ ઘટવા લાગ્યો એવા કટોકટીના સમયે દેવીબેને ધોલેરા સત્યાગ્રહમાં તેરમા સરદારની જવાબદારી આવી પડી હતી. માત્ર અઠ્યાવીસ(૨૮) વર્ષની યુવાનવયે એમણે ઘોલરા સત્યાગ્રહનું નેતૃત્વ પૂરું પાડેલું. દેવીબેને ધંધુકા અને ધોળકા તાલુકામાં રણચંડીની માફક પોતાની ધારદાર વાણીથી નવો ઉત્સાહ પેદા કર્યો હતો. દેવીબેનના નેતૃત્વના કારણે સ્વાતંત્ર્ય સૈનિકોનો ઉત્સાહ વધ્યો હતો. એ સમયે અંગ્રેજ સરકારે ગાંધીજીની ધરપકડ કરી હતી. ગાંધીજીએ  પણ દેવીબેનના અપ્રિતમ શૌર્યથી પ્રભાવિત થઈને ”સૌરાષ્ટ્રની સિંહણ’ કહી બિરદાવ્યા હતા. દેવીબેનને સત્યાગ્રહી ટુકડીનું સફળ નેતૃત્વ કરી, મીઠાના કાયદાના ભંગ બદલ પકડી લેવામાં આવ્યા હતા અને સાતમાસની જેલની સજા કરવામાં આવી હતી.

ઈ.સ.૧૯૩૨માં ફરી મીઠા સત્યાગ્રહમાં જોડાયા અને સમગ્ર ટુકડીની નેતાગીરી કરી હતી. ધોલેરા, રાણપર, ધોળકા, ધંધુકા વગેરે સ્થળોએ સ્ત્રીઓને જાગૃત કરી, આઝાદીની લડતમાં બહેનોને જોડી અને સ્ત્રી શકિતનો પરચો સરકારને દેખાડયો હતો. દેવીબેનની  રાણપરથી ધરપકડ કરવામાં આવી હતી. તેમને છ માસની સખત કેદની સજા થઈ હતી, જે સાબરમતી જેલમાં ભોગવી હતી. ઈ.સ.૧૯૪૨માં ‘હિંદ છોડો’ આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.ઈ.સ. ૧૯૪૭માં ભારત આઝાદ થતાં બહેનો સાથે રહી રાષ્ટ્રીય ગીતો ગાઈ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી હતી. ભારત આઝાદ થતાં સાથી સ્વાતંત્ર્ય સૈનિકો તેમની હાજરી હોય ત્યાં ઉભા થઈને તેમને માન આપતા. સ્વાતંત્ર્ય સૈનિક ગુણવંતભાઈ પરોહિતે તેમના વિશે કહ્યું હતું કે ‘  દેવીબેન આઝાદીની લડાઈમાં ભાગ લેવા માટે ઉદમ્ય ઉત્સાહ પુરો પાડતા હતા.” તેમના આગઝરતાં ભાષણો અમને  પરતંત્રતાની બેડી તોડવા સક્ષમ બનાવતા હતા. દેવીબેન પટ્ટણીએ આઝાદી બાદ સાવરકુંડલામાં રહી, ખાદી, ગ્રામોઉધ્ધાર, સ્વચ્છતા, આરોગ્ય અને લોકહિતાર્થના કાર્યો કરતા રહયા. દેવીબેનનું ઈ.સ.૨૦૦૫માં ૧૦૨ વર્ષની ઉંમરે નિધન થયું હતું.

Follow Me:

Related Posts