સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત કે. કે.હાઇસ્કૂલના પ્રાંગણમાં યોજાયેલ વિદાય સાથે સન્માનિત કાર્યક્રમ
સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત કે. કે. હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સેવા આપતા શ્રી ભારતીબેન ચુડાસમાની તાજેતરમાં આચાર્યની ભરતીમાં પસંદગી થઈ હતી. જુનાગઢ જિલ્લાના ગડુ ગામ મુકામે તેમનું સિલેક્શન થયું હતું. આજરોજ કે. કે. હાઈસ્કૂલના પ્રાર્થનાખંડમાં તેમનો વિદાય કાર્યક્રમ અને સાથોસાથ સન્માનિત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત ‘જીવન અંજલી થાજો’એ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. પ્રાર્થના રજુ કરવામાં ધોરણ ૧૧ કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની ગોસાઈ દિશાબેન અને સોરઠીયા પૂજાબેને ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નૂતન કેળવણી મંડળ ઉપપ્રમુખ શ્રી મુકુંદભાઈ નાગ્રેચા તેમજ ટ્રસ્ટીશ્રી જનકભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આંબરડી શાળાના ઇન્ચાર્જ રમેશભાઈ ચારૈયા સાહેબ હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા. શ્રી ભારતીબેન પ્રત્યેની લાગણીઓને વ્યક્ત કરવા વિદ્યાર્થીઓએ પ્રતિભાવો રજૂ કર્યા હતા. જેમાં ધોરણ ૧૧ માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા માંડલિયા સિદ્ધાર્થ, તથા ધોરણ ૧૨/એ અભ્યાસ કરતા નિમાવત જતીન, તેમજ ધોરણ ૧૨/ડી માં અભ્યાસ કરતા બારૈયા હિરલબેને ભાગ લીધો હતો. આ ઉપરાંત શાળાના શિક્ષકશ્રી જાગૃતભાઈ દવેએ પ્રસંગને અનુરૂપ વિદાય ગીત રજૂ કર્યું હતું. તેમજ શાળાના શિક્ષકશ્રી ચેતનભાઇ ગુજરીયાએ સન્માનપત્રનું વાંચન કર્યું હતું. કે. કે. હાઈસ્કૂલના સમગ્ર સ્ટાફ પરિવાર તરફથી ભેટ સ્વરૂપે શ્રી ભારતીબેનને શાલ, મોમેન્ટો અને સન્માનપત્ર અર્પણ કરાયા હતા. કે. કે. હાઈસ્કૂલના શિક્ષિકા બહેનોએ શાલ ઓઢાડીને ભારતીબેનને સન્માનિત કર્યા હતા. આચાર્યશ્રી અને સ્ટાફગણના હસ્તે મોમેન્ટો અર્પણ કરીને શ્રી ભારતીબેનનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખશ્રી મુકુંદભાઈ નાગ્રેચાના હસ્તે સન્માનપત્ર અર્પણ કરીને શ્રી ભારતીબેનને સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી ભારતીબેને પોતાના વક્તવ્યમાં સમગ્ર સ્ટાફ પરિવારને યાદ કરીને, તેમજ તેમની ખૂબીઓને યાદ કરી શાળાના સંસ્કરણોને યાદ કર્યા હતા. શાળાના આચાર્યશ્રી ખડદિયા સાહેબે પોતાના વક્તવ્યમાં ભારતીબેનની આદર્શ કાર્યશૈલીની પ્રશંસા કરી હતી. નૂતન કેળવણી મંડળ તરફથી શ્રી જનકભાઈ ઉપાધ્યાય તેમજ મુકુંદભાઈ નાગ્રેચાએ વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક બોધ અને શ્રી ભારતીબેન ચુડાસમાને શુભેચ્છાઓ પાઠવી હતી. પરિવારની ભાવનાથી સૌએ સાથે મળીને ભોજન લીધું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી રફિકભાઈ ભોરણીયાએ કર્યું હતું. આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ તેમજ જયંતીભાઈ પટેલ, કમલેશભાઈ ગોંડલીયા, આપાભાઇ માંજરીયા, તૃપ્તિબેન ભરાડ, વર્ષાબેન પટેલ તેમજ સમગ્ર સ્ટાફ પરિવારના પૂરતા સહયોગથી કાર્યક્રમ સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.
Recent Comments