અમરેલી

સાવરકુંડલા શહેરમાં જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે એક સાથે ત્રણ ત્રણ લોકમેળાનું આયોજન થયું.

સાવરકુંડલા શહેરીજનો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોનાં લોકોને મેળો મહાલવાની અનેરી તક પ્રાપ્ત થઈ. મેળે મેળે મોરલડી હેલે ચડી.. હેલે ચડી રંગ રેલે ચડી..આમ ગણીએ તો સાવરકુંડલા શહેર એ ધર્મપ્રેમી અને ઉત્સવ પ્રેમી શહેર છે. એમાં પણ જન્માષ્ટમીનું પર્વ એટલે રાજકોટની માફક જ શહેરીજનો મેળો માણવા ખૂબ ઉત્સુક અને તત્પર હોય છે. એવી વેળાએ સાવરકુંડલા શહેરમાં એક સાથે ત્રણ ત્રણ મેળા એટલે પછી પૂછવું જ શું? જાત જાતની રાઈડ, મોતનો કૂવો, અવનવા સ્ટોલ, રમકડાં ખાણીપીણી, કટલેરી જેવા સ્ટોલ પર લોકો આજથી જ પ્રારંભ થતાં મેળામાં ઉમટી પડશે.

જો કે આ મેળાનું એક પાસું શક્તિ પ્રદર્શન પણ હોય એવું લોકોમાં ચર્ચાય રહ્યું છે. એ બધું ભૂલીને એ, હાલો મેળે..!! મનભરીને માણીએ આ મેળાની મીઠાશ..!! નાના બાળકો યુવા હૈયા કે વડીલ વર્ગ પણ શહેરની શાન સમા મેળાની મોજ મનભરીને માણશે. એક મેળો શહેરની મધ્યમાં કોલેજ ગ્રાઉન્ડ ખાતે, બીજો મહુવા રોડ પર આવેલા શ્રી રામનગર સ્વામીનારાયણ મંદિર પાસે  તો ત્રીજો મેળો હાથસણી રોડ પર રાધેશ્યામ સોસાયટીથી થોડા આગળનાં અંતરે  મેળો યોજાઈ રહ્યો છે. જો કે હાથસણી રોડ પર રાધેશ્યામ સોસાયટીથી થોડા દૂર અંતરે યોજાયેલ આ મેળામાં વેલકમ નવરાત્રિનો નવો કોન્સેપ્ટ પણ શહેરનાં નવરાત્રિ ખેલૈયાઓ માટે ત્રણ દિવસ યોજાશે જે નવયુવાન હૈયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ બને એવી સંભાવના સેવાઈ રહી છે..બાકી તો મતભેદો ભૂલીને એ હાલો મેળો માણવા..

Related Posts