સાંસદ પૂનમ માડમની ત્રીજી ટર્મની ટિકિટ લગભગ નિશ્ચિતખુદ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જામનગરમાં જાહેર મંચ પરથી ઇશારો કર્યો
૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં અનેક સાંસદોની ટિકિટ કપાય તેવી શક્યતા છે. જાે કે જામનગરના સાંસદ પૂનમ માડમની ટિકિટ લગભગ નિશ્ચિત હોવાનો ઇશારો ખુદ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કર્યો છે. જામનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં પ્રારંભિક ઉદબોધનમાં પાટીલ ઉપસ્થિત તમામ આગેવાનોના નામ બોલ્યા હતા. સી આર પાટીલે જાહેર મંચ પરથી જ પૂનમ માડમ લગભગ ત્રીજી ટર્મ તરફ પ્રયાણ કરતા હોવાનું નિવેદન આપ્યું. પાટીલના આ નિવેદનને ઉપસ્થિત સૌ કોઇએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધું. મહત્વનું છે કે પૂનમ માડમ વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૯ એમ છેલ્લી બે ટર્મથી જામનગર બેઠક પરથી સાંસદ છે
અને હવે ૨૦૨૪માં પણ તેમને ત્રીજી વખત ટિકિટ મળે તેવા સંકેત પાટીલે આપ્યા છે. બીજી તરફ થોડા દિવસો પહેલા વિવાદનું કેન્દ્ર બનેલા ધારાસભ્ય રીવાબા જાડેજા, સાંસદ પૂનમ માડમ અને મેયર બીનાબેન કોઠારીએ એક મંચ પર ઉપસ્થિત રહી ‘ઓલ ઇઝ વેલ’નો સંદેશો પણ આપ્યો. એટલું જ નહીં કાર્યક્રમમાં જ્યારે પૂનમ માડમનું આગમન થયું ત્યારે ખુદ રિવાબાએ સાંસદ પૂનમ માડમનો હાથ પકડી કારમાંથી રિસીવ કર્યા. મહત્વનું છે કે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજા અને સાંસદ પૂનમ માડમ વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી. તો મેયર બીનાબેન અને રિવાબા વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેના કારણે ભાજપમાં ચાલતો આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો હતો. પાટીલે પણ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા, પરંતુ આજે વિવાદને ભૂલાવી ત્રણેય દિગ્ગજ મહિલા નેતાઓએ એક મંચ પર હાજર રહી પાર્ટીમાં બધું સમુસૂતરું ચાલતું હોવાનો સંકેત આપ્યો.
Recent Comments