મોરબીમાં બહેનનાં ઘેર ગયેલાં ભાઈની હત્યાયુવાનને છરીના જીવલેણ ઘા ઝીંકયા, ચાર વ્યક્તિને સામે ફરિયાદ
ઉમા ટાઉનશીપ પાસે આવેલ ભીમસર વિસ્તારમાં નજીવી વાતે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ યુવાનને છરીના જીવલેણ ઘા ઝીંકયા હતા, જેથી તેનું મોત નીપજયું હતું. હત્યાના આ બનાવમાં કુલ મળીને ચાર વ્યક્તિને સામે ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે હાલમાં બે આરોપીની ધરપકડ કરેલ છે. એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને કબજામાં લઈને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે. મોરબીના જેલ ચોક સામેના વિસ્તારમાં રહેતો રવિભાઇ જયસુખભાઈ ઝાલા (૩૨) મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપની સામે આવેલ ભીમસર વિસ્તારમાં ફઈબાના ઘરે ગયો હતો. ત્યારે કલેજ લલિતભાઈ વાઘેલા કે જેના ઘરે રવિભાઇ જયસુખભાઈ ઝાલાના ભાઈજી(મોટાબાપુ) ની દીકરી સાસરે છે તે ગાળો બોલીને ઝઘડો કરી રહ્યો હતો.
જેથી કરીને રવિભાઈ જયસુખભાઈ ઝાલા ત્યાં સમજાવવા માટે ગયો હતો. તે દરમિયાન ત્યાં તેની સાથે ઝઘડો થયો હતો અને ત્યારે તેને છરી વડે પડખાના ભાગે જીવલેણ ઘા માર્યા હતા જેથી કરીને તેને ગંભીર ઇજા થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. આ બનાવની જાણ થતાં મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ પી.એ. દેકાવાડીયા અને સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાના પિતા જયસુખભાઈ નાથાભાઈ ઝાલા (૫૫) એ કલેજ લલિતભાઈ, લલિત કેસાભાઈ અને રાજુ કેસાભાઈ રહે. બધા ભીમસર વિસ્તાર વાળા સહિત કુલ ચાર સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આ ગુનામાં કલેજ લલિતભાઈ વાઘેલા (૩૧) અને રાજુ કેસાભાઈ વાઘેલા (૪૪) રહે. ભીમસર વિસ્તાર વાળાની ધરપકડ કરેલ છે અને એક બાળ કિશોર કાયદાના સંઘર્ષમાં આવેલ હોય તેને કબજામાં લઈને પોલીસે આગળની કાર્યવાહી કરી છે. આરોપી લલિતભાઈ કેસાભાઈ વાઘેલા હાલમાં સારવાર હેઠળ હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
Recent Comments